Get The App

અમદાવાદમાં દરરોજ સરેરાશ 9 લોકો દારૂ પીને વાહન ચલાવતા પકડાય છે, રસ્તાઓ બન્યા અસુરક્ષિત

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં દરરોજ સરેરાશ 9 લોકો દારૂ પીને વાહન ચલાવતા પકડાય છે, રસ્તાઓ બન્યા અસુરક્ષિત 1 - image


Drink And Drive Case : અમદાવાદમાં તથ્ય પટેલ અને વડોદરાના રક્ષિત ચોરસિયા દ્વારા ગુજરાતના મોટા વ્યસનથી ચકચૂર અકસ્માતો બાદ પણ અમદાવાદના રસ્તાઓ હજુ પણ સુરક્ષિત નથી. રાત્રિના  ઘેનમાં ઘેરાયેલી બેભાન લાલ આંખો સામે કોણ છે તે જોવામાં બેઘડી ખોવાઈ જાય છે અને ગુજરાતમાં નિર્દોષોનો જીવ સાવ સસ્તામાં ચાલ્યો જાય છે. 

દારૂ પીને વાહન ચલાવતા 580 લોકો ઝડપી લેવાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અમદાવાદમાં 2025ના વર્ષની શરૂઆતમાં જ  દારૂ પીને વાહન ચલાવવાના 580 કેસ નોંધાયા છે. 2024ના વર્ષમાં અમદાવામાં દારૂ પીને વાહન ચલાવવાના કુલ 2081 ડ્રાઈવના 2024ના કેસ થયા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોતાં એકલા અમદાવાદમાં પ્રતિદિન સરેરાશ 9 વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતા પકડાય છે. વર્ષ 2025ની શરૂઆતના 580 વ્યક્તિને પકડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. જે અનુસાર ગુજરાતમાં રાજ્યવ્યાપી તથ્ય અને રક્ષિત દ્વારા આચરવામાં આવેલા એક્સિડેન્ટ બાદ પણ  બે મહિનામાં જ રોજના સરેરાશ બે વ્યક્તિ સામે પોલીસ વિભાગ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. 

જો કે પોલીસ વિભાગના આધારભૂત સૂત્રો અનુસાર આ એ લોકોની માહિતી છે જેમની સામે પોલીસ વિભાગ દ્વારા શરાબ પીને વાહન ચલાવવા સામે કાર્યવાહી કરવામાં આવી હોય. પરંતુ અમદાવાદમાં આવા અસંખ્ય ટોલ નાકા છે જ્યાં કાયદેસરની કાર્યવાહી કરતાં વધુ સંખ્યામાં લોકો પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે ઘણાં કિસ્સાઓમાં પોલીસ દ્વારા ભ્રષ્ટાચારી માંડવાળ કરતા હોવાથી મોટા ભાગના કેસોમાં ભીનું સંકેલાઈ જાય છે. દરેક ટોલનાકા પર સીસીટીવી ફૂટેજ મળવા શક્ય ના હોવાથી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો સાચો આંકડો મળવો મુશ્કેલ છે.  પહેલાં માત્ર તહેવારો પૂરતું આ દૂષણ હતું પરંતુ હવે સામાન્ય સંજોગોમાં પણ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ જોવા મળી રહ્યા છે. 

બ્રેથ એનલાઈઝિંગ વખતે કેમેરાનો ઉપયોગ થાય તો તોડ થતાં અટકી શકે

અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરના વિસ્તારોમાં ડ્રંક એન્ડ ડ્રાઈવની અલગ અલગ તાસીર જોવા મળે છે. આ અંગે પોલીસ વિભાગના એક અધિકારી જણાવે છે કે, ‘આ એક દૂષણ હોવા છતાં પણ મોટા ભાગના કેસમાં નીચલા સ્તરે ભ્રષ્ટાચારના આધારે ભીનું સંકેલાઈ જાય છે જો કોઈ કેસમાં મૃત્યુ થાય તો કડક કાર્યવાહી થાય છે અન્યથા બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ ઘણીવાર મોટા તોડનો ફાયદો કરાવે છે. જો દરેક બ્રેથ એનલાઈઝિંગ વખતે કેમેરા રાખવામાં આવે તો ચોક્કસ ફેર પડશે. અમદાવાદના સંવેદનશીલ રસ્તાઓ જેવા કે એસ.જી હાઈવે, એસ.પી.રિંગ રોડ અને અમદાવાદ- ગાંધીનગર હાઈવે પર હાલમાં વધતાં જતાં કેસ સામે સતર્કતા વધારવાની જરૂર છે.  


Tags :