વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઑટોમોબાઈલ રેક રવાના કરાયો
ઓક્ટોબરમાં ૧.૨૯ એમ.ટી. માલ પરિવહન થયો, આવક રૂ.૫૬.૨૪ કરોડ નોંધાઈ

તહેવારોની સિઝનમાં વડોદરા રેલવે વિભાગે નિયમિત ટ્રેનો સાથે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ ૬ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી. જેનો ૩૦ લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.
પરિસ્થિતિઓ પડકારજનક હોવા છતાં ટ્રેનોની સમયપાલનતા ૯૧.૭૩ ટકા નોંધાઈ હતી. વડોદરા માર્શલિંગ યાર્ડથી કર્ણાટકના ક્યારકોપ માટે પ્રથમ વખત ઑટો ટ્રેક્ટરનું સફળ લોડિંગની મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે. ઓક્ટોબરમાં માલ પરિવહન ક્ષેત્રે ૧.૨૯ એમટી (મેટ્રિક ટન)નું માલ લોડિંગ અને આવક રૂ..૫૬.૨૪ કરોડ થઈ છે. ટિકિટ ચેકિંગ વિભાગે ખુદાબક્ષ પ્રવાસીઓ પાસેથી રૂ. ૨.૨૨ કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ વસૂલાત કરી હતી. સંરક્ષા ક્ષેત્રે ૪૧ રેલવે કર્મચારીઓને સતર્કતા અને સુરક્ષિત સંચાલન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાયન યાર્ડમાં મલ્ટી સેક્શન એક્સલ કાઉન્ટર અને મહેમદાવાદના એલસી ગેટ નં. ૨૯૦પર ઇલેક્ટ્રિકલ લિફ્ટીંગ બેરિયરના બદલીકરણના કામ પૂર્ણ થયા છે. પ્રતાપનગર – ડભોઈ વિભાગમાં કુંઢેલા સ્ટેશન પર અપગ્રેડેશન માટે સેન્ટ્રલાઈઝડ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગનું કમીશનીંગ પણ કરાયું છે.

