રીક્ષાચાલક ગેંગ દ્વારા રસાલા ગાર્ડન પાસે મુસાફરને ધમકાવી લૂંટી લેવાયો
રીક્ષાને વસ્ત્રાલ લઇ જવાને બદલે બીજે લઇ ગયા
શહેરમાં મુસાફરો લૂંટતી અનેક ગેંગ સક્રિયઃ વૃદ્ધ મુસાફર પ્રતિકાર કરતા મારી નાખવાની ધમકી આપી
અમદાવાદ,બુધવાર
ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં રાતના સમયે આવતા મુસાફરોને બેસાડીને લૂંટ કરતી અનેક ઓટો રીક્ષા ગેંગ સક્રિય છે. બનાસકાંઠાના થરાદમાં રહેતા એક ૬૫ વર્ષીય સિનિયર સીટીઝનને ગીતામંદિરથી વસ્ત્રાલ ઉતારવાનું કહીને એક ગેંગ રીક્ષામાં તેમને ગુજરાત કોલેજ પાછળ રસાલા ગાર્ડન લઇ ગઇ હતી.જ્યાં તેમને મારવાની ધમકી આપીને રોકડ સહિતની મત્તાની લૂંટ કરી હતી.
બનાસકાંઠાના થરાદમાં આવેલા ઘંટીયાળા ગામમાં રહેતા ૬૫ વર્ષીય ભુપતસિંહ બારોટ મંગળવારે થરાદથી વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસે આવેલા કેન્સાન કાઉન્ટી ફ્લેટ ખાતે રહેતા તેમના પુત્રને ત્યાં આવવા માટે બસમાં નીકળ્યા હતા. મોડી સાંજે ગીતામંદિર એસ ટી બસ સ્ટેશન પર પહોંચ્યા હતા. જ્યાં એક રીક્ષાચાલક આવ્યો હતો અને તેણે ૪૦ રૂપિયામાં વસ્ત્રાલ ઉતારી દેવાનું કહીને બેસાડયા હતા. આ સમયે અન્ય બે યુવકો પણ રીક્ષામાં હતા.
રીક્ષાચાલકે રીક્ષાને વસ્ત્રાલ લઇ જવાને બદલે એલિસબ્રીજ તરફ લીધી હતી. જેથી ભુપતસિંહને શંકા જતા તેમણે તેમના પુત્ર સંજયને કોલ કર્યો હતો. પરંતુ, આ સમયે રીક્ષાચાલકે રીક્ષાના ગુજરાત કોલેજના પાછળના ભાગથી રસાલા ગાર્ડન પાસે લઇ જઇને ઉભી રાખી હતી. જેથી ભુપતસિંહે તેમને મારવાની ધમકી આપીને રોકડ સહિતની મત્તાની લૂંટ કરી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.