ઓટો ડિલરે સેકન્ડ હેન્ડ કાર આપવાનું કહી ૪.૨૧ લાખ પડાવી લીધા
સેકન્ડ હેન્ડ કારનો ધંધો કરતા ઓટો ડિલર સહિત બે સામે ફરિયાદ
વડોદરા,માંજલપુર વડસર બ્રિજ પાસે ફર્સ્ટ ઓનર કાર ડિલરના માલિક દ્વારા ૪.૨૧ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
માંજલપુર એસ.આર.પી. ગુ્રપની સામે પારસીક સોસાયટીમાં રહેતા ફેબ્રિકેશનના વેપારી રવિન્દ્ર મહારૃરાવ ચૌધરીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૪ માં મારે સેકન્ડહેન્ડમાં કાર લેવી હોઇ ઓટો ડિલરની ત્યાં તપાસ કરતો હતો. તે દરમિયાન મને ફર્સ્ટ ઓનર કાર ડિલરની પાસે ક્રેટા કાર જોવા મળી હતી. હું ત્યાં ગયો ત્યારે રાહુલ નામનો વ્યક્તિ મને મળ્યો હતો. તેણે મને ૮ લાખ ભાવ કીધો હતો. મારી પાસેની કારનો ભાવ ૩ લાખ ગણી ક્રેટા કારનો સોદો ૭.૨૧ લાખમાં નક્કી કર્યો હતો. મેં તેને ૪.૨૧ લાખ રોકડા આપી દીધા હતા. જે અંગે ફર્સ્ટ ઓનર કાર ડિલરના માલિક પ્રવિણસિંહે મેસેજ કર્યો હતો કે, તમારા રૃપિયા મળી ગયા છે. ત્યારબાદ હું મારી કાર ત્યાં મૂકી આવ્યો હતો. બે દિવસ પછી પ્રવિણસિંહેે મારી કારની ઓછી કિંમત કહેતા મેં ના પાડી દીધી હતી. સોદો કેન્સલ થયા પછી મેં આપેલા ૪.૨૧ લાખ પણ મને પરત કર્યા નહતા. આ અંગે પોલીસે પ્રવિણસિંહ ધરમસિંહ પરમાર (રહે. વિરામ -૦૨, માંજલપુર, વડોદરા, મૂળ રહે.જૂનાગઢ) તથા રાહુલ મનોહરસિંહ શેખાવત(રહે. પ્રમુખ નગર, માંજલપુર, મૂળ રહે. રાજસ્થાન)ની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.