Get The App

હરણનાં પ્લાસ્ટિક ભોજનથી સિંહોને ખતરો જણાતાં તંત્રએ ઉકરડો ઉલેચ્યો

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
હરણનાં પ્લાસ્ટિક ભોજનથી સિંહોને ખતરો જણાતાં તંત્રએ ઉકરડો ઉલેચ્યો 1 - image

- જંગલ નજીક પ્લાસ્ટિક પ્રતિબંધની ધજ્જિયા બાદ બેદરકારો દોડયા

- ગિરનારના છેવાડે ખુલ્લા પ્લોટમાંથી પ્લાસ્ટિક સહિત રપ ટ્રેક્ટર કચરાનો નિકાલ, આસપાસના રહીશોને કચરો ન નાખવા સૂચના

- પ્લોટ માલિક પાસેથી દંડ વસૂલવા તજવીજ

જૂનાગઢ: ગિરનારનાં જંગલમાં પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં તેના છેવાડે પ્લાસ્ટિકના ઉકરડામાં હરણ પ્પ્લાસ્ટિક સહિતનો કચરો ખાતાં હોય તેવી ગંભીર ઘટના સામે આવતાં વનતંત્ર અને મનપા ધંધે લાગ્યા હતા. જે જગ્યાએ પ્લાસ્ટિકનો ઉકરડો હતો તે ખાનગી માલિકીના પ્લોટની દીવાલ તોડી ટ્રેક્ટરના રપ ફેરા પ્લાસ્ટિક સહિતનો કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.  આમ, એક વીડિયોના માધ્યમથી તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી પડી હતી અને ત્યારબાદ તંત્રને દોડતું થવું પડયું હતું. ખરા અર્થમાં જંગલ, પ્રકૃતિ અને વન્યપ્રાણીનાં હિત ખાતર તંત્ર કેટલું બેદરકાર છે તેનો નમૂનો આ સાથે ઉજાગર થયો છે.
ગિરનાર જંગલમાં તથા સીડી આસપાસ તથા ઈકો ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધની અમલવારી થતી ન હોવાથી અગાઉ હાઈકોર્ટે વનતંત્ર અને કલેક્ટર સહિતનાઓનો ઉધડો લીધો હોવા છતાં માત્ર દેખાડા પુરતી અમલવારી કરવામાં આવી રહી છે. વિલીંગ્ડન ડેમ તરફ જતા રસ્તા પર ગિરનારનું જંગલ આવે છે. જંગલના છેવાડે ખુલ્લા પ્લોટમાં ઘણા સમયથી આસપાસના રહેવાસીઓ દ્વારા પ્લાસ્ટીક સહિતનો ઉકરડો નાખવામાં આવતો હતો. આ અંગે મનપા કે વનતંત્ર દ્વારા અગાઉ કોઈ દરકાર લેવામાં આવી નહી. અભયારણ્ય નજીક હોવાથી હરણ પ્લાસ્ટીકના ઉકરડામાં કચરો અને પ્લાસ્ટીક આરોગતું હોય તેવી ઘટના સામે આવતા તેના ગાંધીનગર સુધી પડઘા પડયા છે.

આજે સવારથી વન વિભાગ અને મનપાની ટીમે જે ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટીક સહિતનો ઉકરડો હતો ત્યાંથી સફાઈની કામગીરી શરૂ કરી હતી. જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરી વડે સફાઈ કરવામાં આવી છે. આ અંગે વન વિભાગ અને મનપાએ જણાવ્યું હતું કે, ખુલ્લા પ્લોટમાં આસપાસના રહેવાસીઓ દ્વારા કચરો નાખવામાં આવે છે, વન વિભાગ અને મનપાની સંયુક્ત ટીમ દ્વારા આસપાસના તમામ રહેવાસીઓને કચરો બહાર ન નાખવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં ખુલ્લા પ્લોટ તથા રસ્તા પર કચરો નહી કરવા અંગેની સૂચના આપતા બોર્ડ લગાવવાનું નક્કી થયું છે. 

- વન મંત્રી મોઢવાડિયાએ પ્લોટની માલિકી અને સફાઈ અંગે સ્પષ્ટતા કરવી પડી

આ મામલે ખુદ વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જાહેરાત કરવી પડી કે, આ એક ખાનગી માલિકીનો પ્લોટ હતો, જૂનાગઢ મનપા દ્વારા પ્લોટની સફાઈ કરવામાં આવી છે, આ ગંભીર બેદરકારી માટે પ્લોટ માલિક પાસેથી દંડ વસૂલવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી ન દાખવે તેની તકેદારી રાખવામાં આવશે.