હરણનાં પ્લાસ્ટિક ભોજનથી સિંહોને ખતરો જણાતાં તંત્રએ ઉકરડો ઉલેચ્યો

- જંગલ નજીક પ્લાસ્ટિક પ્રતિબંધની ધજ્જિયા બાદ બેદરકારો દોડયા
- ગિરનારના છેવાડે ખુલ્લા પ્લોટમાંથી પ્લાસ્ટિક સહિત રપ ટ્રેક્ટર કચરાનો નિકાલ, આસપાસના રહીશોને કચરો ન નાખવા સૂચના
- પ્લોટ માલિક પાસેથી દંડ વસૂલવા તજવીજ
આજે સવારથી વન વિભાગ અને મનપાની ટીમે જે ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટીક સહિતનો ઉકરડો હતો ત્યાંથી સફાઈની કામગીરી શરૂ કરી હતી. જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરી વડે સફાઈ કરવામાં આવી છે. આ અંગે વન વિભાગ અને મનપાએ જણાવ્યું હતું કે, ખુલ્લા પ્લોટમાં આસપાસના રહેવાસીઓ દ્વારા કચરો નાખવામાં આવે છે, વન વિભાગ અને મનપાની સંયુક્ત ટીમ દ્વારા આસપાસના તમામ રહેવાસીઓને કચરો બહાર ન નાખવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં ખુલ્લા પ્લોટ તથા રસ્તા પર કચરો નહી કરવા અંગેની સૂચના આપતા બોર્ડ લગાવવાનું નક્કી થયું છે.
- વન મંત્રી મોઢવાડિયાએ પ્લોટની માલિકી અને સફાઈ અંગે સ્પષ્ટતા કરવી પડી
આ મામલે ખુદ વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જાહેરાત કરવી પડી કે, આ એક ખાનગી માલિકીનો પ્લોટ હતો, જૂનાગઢ મનપા દ્વારા પ્લોટની સફાઈ કરવામાં આવી છે, આ ગંભીર બેદરકારી માટે પ્લોટ માલિક પાસેથી દંડ વસૂલવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી ન દાખવે તેની તકેદારી રાખવામાં આવશે.









