સુરતમાં ડ્રેનેજની ઢગલાબંધ ફરિયાદ બાદ શાસકો ચોંક્યા : સફાઈની કામગીરી નિયમિત કરવા અધિકારીઓને સંકલન કરી કામગીરી માટે તાકીદ
Surat Corporation : સુરત શહેરના તમામ વિસ્તારમાં ડ્રેનેજની સંખ્યાબંધ ફરિયાદ છે તેમાં પણ લિંબાયત, ઉધના અને કતારગામ વિસ્તારમાં સૌથી વધુ ફરિયાદ છે. સંખ્યાબંધ ફરિયાદ મળતા ચોંકી ગયેલા શાસકોએ ડ્રેનેજ કમિટિની બેઠક થાય તે પહેલાં મેયરની અધ્યક્ષતામાં આવી સમસ્યાના તાકીદે નિકાલ માટે બેઠક મળી હતી. જેમાં વિભાગ અને ઝોનના અધિકારીઓ સાથે સંકલન કરી ડ્રેનેજની ફરિયાદનો ત્વરિત નિકાલ કરવા માટે સુચના આપવામાં આવી છે.
સુરત પાલિકાની ડ્રેનેજ કમિટિની બેઠક પહેલાં મેયરની અધ્યક્ષતામાં સ્થાયી અધ્યક્ષ, ડ્રેનેજ કમિટી ચેરમેન અને વિભાગ અને ઝોનના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં સુરત શહેરના મોટા ભાગના વિસ્તારમાં ડ્રેનેજને લગતી સંખ્યા બંધ ફરિયાદ છે તે ઝોન અને વિભાગના સંકલનના અભાવે ઝડપી નિકાલ થતો નથી તેથી ઝોન અને વિભાગ વચ્ચે સંકલન કરીને આવી ફરિયાદનો ઝડપી નિકાલ કરવા માટે સુચના આપવામા આવી છે.
શહેરના કતારગામ, ઉધના અને લિંબાયતમાં ડ્રેનેજને લગતી સૌથી વધુ ફરિયાદ છે આ ઉપરાંત અન્ય ઝોનમાં પણ ડ્રેનેજને લગતી ફરિયાદ છે. ફરિયાદના નિકાલ માટે મશીનરી કે અન્ય કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક શાસકોને જાણ કરવા માટે પણ સુચના આપી છે. આ ઉપરાંત સ્પષ્ટ સૂચના એવી આપવામાં આવી છે કે, ડ્રેનેજની કામગીરી માટે લોકભાગીદારીના કામના અંદાજ કે ટેન્ડર સુધીની પ્રક્રિયા ચોમાસા દરમિયાન પૂરી કરી દેવામાં આવે અને દિવાળી સુધીમાં કામ શરૂ થાય તેવી કામગીરી કરવા પણ સૂચના આપી છે.
પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજની ક્ષમતામાં વધારો કરવા સ્થાયી અધ્યક્ષની તાકીદ
પાલિકાના શાસકો ડ્રેનેજ વિભાગ અને અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં કલાક બે કલાકમાં સુરતમાં વરસાદ પડે છે અને અનેક જગ્યાએ પાણીનો ભરાવો થાય છે તેના માટે પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજની ક્ષમતામાં વધારો કરવા માટે પણ સ્થાયી અધ્યક્ષે અધિકારીઓને તાકીદ કરી છે.
સુરત પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ દેશની સૌથી સારી સ્ટ્રોમ ડ્રેનેજમાંથી અનેક છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી કલાક બે કલાક પણ વરસાદ આવે છે તો શહેરમાં પાણીનો ભારવો થાય છે તે યોગ્ય નથી. આજે થયેલી બેઠકમાં સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે અધિકારીઓને કહ્યું હતું કે, આપણી સ્ટ્રોમ ડ્રેનેજ વખણાઈ રહી છે તો પછી એક બે કલાક વરસાદ પડે છે તો પાણીનો ભરાવો થાય છે. તેનો મતલબ એવો છે કે સ્ટ્રોમ ડ્રેનેજમાં વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજનો સર્વે કરવામાં આવે અને જો કોઈ જગ્યાએ શીલ્ટીંગ જોવા મળે તો તે સફાઈ કરીને ક્ષમતામાં વધારો થઈ શકે છે.