દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરમતીમાં પાણીના વહેણ વચ્ચે ગેરકાયદે રેતીખનન
નદીના પટમાં ગેરકાયદે ખનનથી પડેલા ખાડાની માપણી કરીને વાહનના માલિકને હવે ભુસ્તર તંત્ર દંડ ફટકારશે
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને
મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના અનુસાર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા આજે
દરોડો પાડયો હતો. ભુસ્તર વિજ્ઞાાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમના માઈન્સ
સુપરવાઈઝર આર.જે. આયર દ્વારા માણસા તાલુકાના દેલવાડ ગામે, સાબરમતી નદીના
પટ્ટ વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન રેતી ખનન માટે
વપરાતા એક્સ્કાવેટર મશીન દ્વારા રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન થતું જોવા મળ્યું
હતું. જેથી તાત્કાલિક આ મશીન ઝડપી લેવામાં આવ્યું હતું સાથે રેતી જે ડમ્પરમાં
ભરીને લઇ જવામાં આવતું હતું તેને પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. બંને મશીન અને
વાહન મળી કુલ ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તથા તેમના માલિક
વિરૃધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,દેલવાડ વિસ્તારમાં ખનન માટે કોઈ પણ પરવાનગી ન હોવાથી આ ખનનને સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું છે.સાદીરેતી ખનિજના ખોદકામથી સર્જાયેલા ખાડાના જથ્થાની માપણીના આધારે દંડકીય રકમની વસુલાત અંગે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.