Get The App

આસુન્દ્રાળી ગામની સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
આસુન્દ્રાળી ગામની સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા 1 - image


મુળી તાલુકાના ભવાનીગઢના ઉપસરપંચ કાર્બોસેલની ચોરી કરતા ઝડપાયા

ટ્રેકટર, કાર્બોસેલ સહિત રૃા.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ સરકારી જમીન પરનું પાકુ મકાન તોડી પડાયુ ઃ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવા કાર્યવાહી હાથ ધરાઇ

સુરેન્દ્રનગર - ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વિરાભાઈ જોગરાણાને ઝડપી પાડાયા છે અને આ મામલે સ્થાનીક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી ગયો છે. તંત્રની ટીમે ટ્રેક્ટર, ગેરકાયદે કાર્બોસેલનો જથ્થો સહિત રૃ.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી  સરકારી મિલ્કતને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોવાનું ધ્યાને આવતા રતાભાઇને ઉપસરપંચના હોદ્દા પરથી નિયમો મુજબ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમે બાતમીના આધારે મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સરકારી સર્વે નં.૨૪૬ અને ખાનગી માલીકીના સર્વે નં.૨૪૯ વાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અંગે રેઈડ કરી હતી. દરોડામાં સ્થળ પરથી એક ટ્રેકટર, બે કમ્પ્રેસર, ૪૦ મેટ્રિક ટન ગેરકાયદે કાર્બોસેલ સહિત રૃા.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે સરકારી સર્વે નં.૨૪૬ વાળી જમીનમાં ગેરકાયદેસર ખનની પ્રવૃત્તિ માટે એક પાકુ મકાન પણ બનાવવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા જેસીબીની મદદથી સરકારી ત્રણ એકર જમીન અંદાજે રૃા.૩૬ લાખની ખુલ્લી કરાવવામાં આવી હતી. 

જ્યારે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા મુળી તાલુકાના ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વિરાભાઈ જોગરાણા સામે કાર્યવાહી હાથધરી હતી. તેમજ તેઓ ઉપસરપંચના હોદ્દા પર ચાલુ હોવા છતાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરી સરકારી મિલ્કતને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોવાનું ધ્યાને આવતા તેઓને ઉપસરપંચના હોદ્દા પરથી નિયમો મુજબ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે સ્થળ પરથી ઝડપાયેલ ટ્રેકટર અને કંમ્પ્રેસરના માલિક અરજણભાઈ જીવણભાઈ રબારી (રહે.રાણીપાટ) સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ મુળી તાલુકામાંથી ખુદ ઉપસરપંચ દ્વારા જ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડતા જિલ્લાના સ્થાનીક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. બીજી બાજુ ઉપસરપંચ સામે કડક કાર્યવાહી ન થાય અને સમગ્ર મામલો દબાઈ જાય તે માટે રાજકીય આગેવાનો દ્વારા પણ લાગવગ અને ભલામણની તજવીજ હાથધરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઉપસરપંચ સામે કાર્યવાહી કરતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


Tags :