વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી
Vadodara Vishwamitri River : વડોદરામાં રવિવારની બપોરથી આજવાના 62 દરવાજામાંથી પાણી છોડવાનું બંધ કરવાની સાથે સાથે વરસાદે પણ વિરામ પાડતા વિશ્વામિત્રી નદીમાં ધીમે ધીમે પાણીનું લેવલ ઘટવાનું શરૂ થતા શહેર ઉપરથી પૂરનો ખતરો ટળ્યો હતો. રવિવારે બપોરે વિશ્વામિત્રીનું લેવલ 22 ફૂટને લગોલગ પહોંચી ગયું હતું.
વડોદરા કોર્પોરેશને અગાઉ કહ્યું હતું કે વિશ્વામિત્રીનું લેવલ 22 ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે, અને તે મુજબ આજવામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીનો ધીમો ઘટાડો શરૂ થયો હતો. આજે સવારે વિશ્વામિત્રીનું લેવલ ઘટીને 17 ફૂટ થયું હતું. જ્યારે આજવાનું લેવલ દરવાજા બંધ કરવાના કારણે વધીને 213.62 ફૂટ થયું હતું. હાલ વરસાદનો વિરામ છે, એટલે લોકો અને તંત્રે રાહત લીધી છે. કોર્પોરેશન હજુ આજવાના 62 દરવાજામાંથી પાણી છોડવાનું બંધ રાખશે. નદીનું લેવલ આશરે 15 ફૂટ થાય નહીં ત્યાં સુધી પાણી છોડવામાં આવશે નહીં તેમ જાણવા મળ્યું છે. જોકે આજવાના દરવાજા પર લોડ ન રહે તેને ધ્યાનમાં રાખીને અગાઉ જે 14 પમ્પો મૂકવામાં આવેલા છે તે ગઈકાલ સવારથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ પંપ દ્વારા 24 કલાકમાં 405 મિલિયન લીટર પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, પરંતુ તેના કારણે નદીના લેવલમાં કંઈ બહુ જાજો ફરક પડતો નથી.