Get The App

હળવદ યાર્ડમાં 8 દિવસથી હરાજી બંધ : સત્તાધિશો નિષ્ફળ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
હળવદ યાર્ડમાં 8 દિવસથી હરાજી બંધ : સત્તાધિશો નિષ્ફળ 1 - image


- એપીએમસીમાં ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની વેપારી પેઢીના રૂ. 10.50 કરોડના ફુલેકા બાદ 

- સત્તાધિશોએ પુરી રકમ પાછી અપાવવાના બદલે સેટલમેન્ટ કરી લેવાનો કારસો રચ્યો પણ વેપારીઓ એકના બે ન થયા : દૈનિક કરોડોનું ટર્નઓવર ધરાવતા માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેતા આર્થિક ફટકો : ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી 

હળવદ : હળવદ માર્કેટ યાર્ડની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ વેપારી પેઢીના કમિશન એજન્ટે ૧૦.૫૦ કરોડનું ફુલેકું ફેરવતા ૬૪ વેપારીઓ અને ખેડૂતોના પૈસા ડુબી ગયા છે. જેના પગલે વેપારીઓએ હરાજી બંધ કરી દેતાં સૌરાષ્ટના બીજા નંબરના એપીએમસીમાં છેલ્લા આઠ દિવસથી કામકાજ સદંતર બંધ થઇ ગયા છે. ભાજપ પ્રેરિત બોડીના સત્તાધિશોને પણ પૈસા પરત અપાવવામાં રસ ન હોય તેમ શુક્રવારે વેપારી પેઢીના માલિક અને કમિશન એજન્ટો વચ્ચે મળેલી બેઠકમાં નક્કર નિરાકરણ લાવવાને બદલે સેટલમેન્ટ કરવાનું કહેતા વેપારીઓ ટસના મસ થયા ન હતા. 

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ફુલેકુ ફેરવવાનો જાણે રિવાજ બની ગયો હોય તેમ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ચાર જેટલી વેપારી પેઢીઓએ ઉઠમણું કરતા વેપારીઓ અને ખેડૂતોને પરસેવાની કમાણી ગુમાવી દેવાનો વારો આવ્યો છે. તેમ છતાં માર્કેટ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સત્તાધિશોએ પોતાના હિત સાચવવા માટેઆ  દિશામાં નક્કર પગલાં ભરવાને બદલે સેટલમેન્ટનો રસ્તો કાંઢતા હોવાનું ખેડૂતો અને વેપારીઓમાં ચર્ચાઇ રહ્યું છે.

તાજેતરમાં 'ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ' નામની વેપારી પેઢીમાં કમિશન એજન્ટનું કામ કરતા જયેશ દેવજીભાઇ પટેલ (જેડી) ઉઠણમું કરતા અલગ અલગ ૬૪ વેપારી, ખેડૂતો અને એજન્ટોઓની ૧૦.૫૦ કરોડ રૂપિયા જેટલી રકમનું ચુકવણું નહીં કરી ફૂલેકું ફેરવી દીધું છે. કાળી કમાણીના પૈસા ગુમાવનાર વેપારીઓએ માર્કેટયાર્ડની હરાજીમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દેતાં છેલ્લા આઠ દિવસથી યાર્ડમાં હરાજી સહિતનું કામકાજ બંધ થઇ ગયા છે. જેના લીધે યાર્ડને પણ શેષની આવકનો આર્થિક ફટકો પડી રહ્યો છે. બીજી બાજુ તાલુકાના ખેડૂતોને પણ પોતાની જણસો વેચવા ભાડા ખર્ચીને અન્ય યાર્ડમાં જવાની નોબત આવી છે. તેમ છતાં માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. 

શુક્રવારે પૈસા ગુમાવનાર વેપારીઓ અને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પેઢીના માલિક અને સત્તાધિશો વચ્ચે બેઠક મળી હતી. જેમાં સત્તાધિશોએ વેપારીઓના પુરા પૈસા પરત મળે તે દિશામાં ચર્ચા કરવાના બદલે યાર્ડના ચેરમેન રજની પટેલે તમારે હરાજી ચાલું કરવાની છે કે નહીં એવા ધમકીભર્યા સૂર ઉચ્ચાર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી બાજુ માર્કેટ યાર્ડના  ચેરમેન  કોકડુ ઉકેલવા માટે વાટાઘાટો ચાલુ હોવાનું રટણ કરે છે. 

જોકે, ભૂતકાળની માફક છેલ્લે પેઢી સાથે સેટલમેન્ટ કરવી અમુક રકમ વેપારીને ચૂકવવાનું નક્કી કરી 'સામ, દામ અને દંડ' વાપરી હરાજી ચાલું કરાવવા મથામણ કરે છે. પરંતુ વેપારીઓ એકના બે ન થતાં યાર્ડમાં કામકાજ ઠપ્પ થઇ ગયું છે. જેના પગલે ખેડૂતો પિસાઇ રહ્યાં છે.

યાર્ડ બંધ છતાં સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી

હળવદનું સતત ધમધમતું માર્કેટિંગ યાર્ડમાં ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ શનિ-રવિની રજા હોવાથી હરાજી બંધ થઇ હતી. ૨૮ એપ્રિલ સોમવારે સવારે વેપારી પેઢીએ ઉઠમણુ કર્યું હોય તેવા સમાચાર વાયુવેગે પ્રસરી જતાં વેપારીઓએ ખેડૂતો પાસેથી જણસી લેવાનું બંધ કરી દીધુ હતું. જેનું ૪થી મે, શુક્રવાર સુધી કોઇ નક્કરનિરાણકર નહીં આવતા હરાજી શરૂ થઇ ન હતી અને ૫મી મેના રોજ સતત આઠમા દિવસે હરાજી સહિતના કામકાજ બંધ રહ્યાં હતા. છતાય ચેરમેન કે એમની ટીમ હરાજી ચાલુ કરાવવામાં કે વેપારી-ખેડૂતોને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે.

સત્તાધિશો હિત માટે અને વેપારીઓ મુડી પાછી મેળવવા લડી લેવાના મુડમાં

હળવદ માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ચાર જેટલી વેપારી પેઢીઓએ ખેડૂતો અને વેપારીઓનું કરોડો રૂપિયાનું કરી નાખીને હાથ અધ્ધર કરી દીધા છે. ત્યારે આ પ્રકારની છેતરપિંડી રોકવાની જેની જવાબદારી છે તેવા માર્કેટ યાર્ડના સત્તાધિશોએ પોતાના હિત માટે સેટલમેન્ટનો રસ્તો અપનાવીને ઘીના ઠામમાં ઘી ઢાળવાની પેરવી અપનાવી છે ત્યારે આ વખતે પણ કેટલાક સત્તાધિશો વેપારીઓને પુરા પૈસા પરત અપાવવાના પ્રયાસ કરવાના બદલે સેટલમેન્ટ કરી લેવાનો રસ્તો કાઢવા મથે છે. પરંતુ વેપારીઓ પોતાની મહામુડી પરત મેળવવા માટે મક્કમ હોય તેમ ટસના મસ થતા નથી.

સેક્રેટરી પણ પોતાનો ગોઠવ્યાની ચર્ચા

હળવદ માર્કેટયાર્ડમાં ભાજપ પ્રેરિત બોડીના સત્તાધિશો આઠ દિવસથી બંધ હરાજી ચાલું કરાવવામાં સદ્દંતર નિષ્ફળ નિવડયાં છે. માર્કેટયાર્ડમાં પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનો પીએ અને વર્તમાન ચેરમેન રજનીભાઇ પટેલના અંગત ગણાતા મહેશ પટેલ જ હાલ  સેક્રેટરી તરીકે કાર્યરત છે તેવી ચર્ચા ચાલી રહી છે.

Tags :