લગ્નના મુદ્દે ઉશ્કેરાયેલા જમાઈ દ્વારા સસરાની હત્યાનો પ્રયાસ
ગોંડલ રોડ પરના લોહાનગરની ઘટના મારામારીમાં બે મહિલા સહિત કુલ ત્રણ ઘાયલ, આરોપીઓની શોધખોળ
રાજકોટ, : ગોંડલ રોડ પરના લોહાનગરમાં આજે લગ્ન બાબતે વેવાઈ પક્ષ વચ્ચે માથાકુટ થતા ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ તેના સસરાના માથામાં પાઈપના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ એ-ડીવીઝન પોલીસમાં જાહેર થયો છે. આ ઘટનામાં બે મહિલા સહિત કુલ ત્રણ ઘવાયા હતા. લોહાનગર કસ્ટમ કવાર્ટરની બાજુમાં રહેતી સંગીતાબેન વિનોદભાઈ કાજીયા (ઉ.વ. 40) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે અને તેનો પતિ ભંગારની મજુરી કરે છે. ગઈકાલે સાંજે પતિ સાથે ઘરે હતી ત્યારે પાડોશમાં પરણાવેલી પુત્રી અમિષાએ આવીને કહ્યું કે તેના સસરા પંકજભાઈએ તેના દીયર માટે તેની બહેનની સગાઈનું માંગુ નાખ્યું હતું. પરંતુ તેને ના પાડી હતી. જેથી સસરા પંકજભાઈ લત્તામાં બધે એવી વાતો કરે છે કે મોટી દીકરી તો લઈ આવ્યા, હવે નાની દીકરીના લગ્ન પણ તમારે ત્યાં જ કરાવશું.
આ વાત સાંભળી તે અને તેનો પતિ વેવાઈના ઘરે ગયા હતા. તે વખતે વેવાઈ પંકજ તેની પત્ની, નાનીબેન અને તેના બંને પુત્રો રાહુલ અને સન્ની હાજર હતા. તે અને તેનો પતિ પોતાની પુત્રીની વાતુ લત્તામાં નહી કરવાનું સમજાવતા હતા ત્યારે વેવાઈ પંકજે ગાળો ભાંડવાનુ શરૂ કર્યુ હતું. તે સાથે જ તેના બંને પુત્રોએ પણ ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ ચારેય આરોપીઓએ ઘર પાસે પડેલા પથ્થર ઉપાડી તેના ઘા કરવાનું શરૂ કર્યું હતું.
આ વખતે તેનો જમાઈ સન્ની ઝુંપડામાંથી પાઈપ કાઢી તેના પતિ વિનોદને આજે તો તને પુરો જ કરી દેવો છે તેમ કહી પાઈપના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે માથામાં ઈજા થતા તેનો પતિ જમીન પર પટકાઈ ગયો હતો. એવામાં દેકારો થતા તેની બહેન સુનીબેન ત્યાં દોડી આવતા તેને પણ પથ્થરનો ઘા વાગ્યો હતો. ઉપરાંત તેના જમાઈ સન્નીએ તેને પણ માથામાં પાઈપ ઝીંકી દીધો હતો. બાદમાં તેના પતિને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. એ-ડીવીઝન પોલીસે આરોપીઓ સામે ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.