Get The App

ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને અમરેલી નજીક ઉથલાવવાનો પ્રયાસ

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને અમરેલી નજીક ઉથલાવવાનો પ્રયાસ 1 - image

રેલવે ટ્રેક પર પથ્થર અને ફેન્સિંગ પોલ મુકી દીધા : ચિતલ-ખીજડિયા વચ્ચે સમયસર ડ્રાઇવરની નજર પડી જતાં ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને થંભાવી દેવાથી મોટી દુર્ઘટના ટળી 

અમરેલી, : ગુજરાતમા  ફરી એકવાર રેલવે ટ્રેક સાથે છેડછાડ કરીને નિર્દોષ મુસાફરોની જિંદગી જોખમમાં મૂકવાનો પ્રયાસ સામે આવ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાના ઈરાદે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગના પોલ ગોઠવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જ્યારે ચિતલ અને ખીજડિયા સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે લોકો પાઈલટની નજર ટ્રેક પર પડેલા અવરોધો પર પડી હતી. રેલવે ટ્રેક પર અચાનક મોટા પથ્થરો અને ફેન્સિંગ માટે વપરાતા સિમેન્ટના પોલ આડા પડેલા જોઈ પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન ઉભી રાખી દીધી હતી. પાઈલટની આ સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટનાની ગંભીરતાને જોતા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આરપીએફ અને સ્થાનિક પોલીસ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો રેલવે પોલીસની ખાસ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસમાં જોડાઈ હતી. જે જગ્યાએ આ પથ્થરો મૂકવામાં આવ્યા હતા, તે વિસ્તારની આસપાસ ગાઢ જંગલ જેવી ઝાડીઓ આવેલી છે. તપાસનીશ એજન્સીઓને શંકા છે કે કોઈ અસામાજિક તત્વોએ અવાવરુ જગ્યાનો લાભ લઈને ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કારસ્તાન કર્યું છે. હાલ પોલીસ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.