પિયરમાં આવી પતિ દ્વારા છોકરો છીનવી લેવાનો પ્રયાસ

Vadodara : વડોદરાના વારસીયા વિસ્તારમાંથી પીડિત મહિલાનો કોલ આવ્યો કે, મારા પતિ મને કહે છે કે તારા જેવી દસ મળી જશે, મારે તને રાખવી નથી એવી ધમકી આપે છે આથી 181 ટીમની મદદની જરૂર છે. અભયમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પીડિત મહિલાને મળ્યા જ્યાં કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે, પીડિત મહિલાના લગ્ન સામાજિક રીત રીવાજ મુજબ કરવામાં આવ્યા છે. લગ્નને પાંચ વર્ષ થયાં છે, સંતાનમાં એક દીકરો છે.
છેલ્લા છ મહિનાથી મને મારાં પતિએ એમ કહીને કાઢી મૂકી હતી કે, તને કોડ છે, એટલે મારે તને રાખવી નથી. મને બીજી દસ છોકરીઓ મળી જશે. એટલે હું થોડા સમય માટે મારાં પિયર છું. જ્યાં મારાં પતિ મારાં પિયર આવીને છોકરો છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને મને મારઝૂડ કરી હતી. મને કોડ નથી પણ B12ના કારણે લોહીની ઉણપ છે. અવારનવાર સાસરી પક્ષ તરફથી મને મેણા ટોણા પણ મારવામાં આવે છે. પતિ મને છૂટાછેડાની ધમકી આપે છે અને રાખવાની ના પાડે છે. મને મારો છોકરો આપી દે મારે તને રાખવી નથી તેમ કહી ગેરવર્તન કરે છે. ઘટના સ્થળ પર પતિ હાજાર ના હોવાથી પત્નીને કાયદાકીય સલાહ સૂચન આપેલ માર્ગદર્શન આપી પોલીસ સ્ટેશન લઈ જઈ પતિના વિરુદ્ધ આગળની કાર્યવાહી માટે અરજી અપાવી હતી.

