સલાટવાડા-મચ્છીપીઠ રોડ પાસે આવેલી નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થિનીનો ગઇકાલે સાંજે અપહરણનો પ્રયાસ થતાં વિદ્યાર્થિનીએ કોલેજનો ગેટ પકડી રાખી બૂમરાણ મચાવતાં બચાવ થયો હતો. કારેલીબાગ પોલીસે બે યુવકની ધરપકડ કરી છે.જ્યારે યુવતીની શોધખોળ જારી છે.
તિરૃપતિ નર્સિંગ કોલેજની બહાર ગઇકાલે સાંજે પાંચેક વાગે બનેલા બનાવ અંગે વિદ્યાર્થિનીએ કહ્યંુ છેે કે,હું કોલેજના ગેટ પાસેથી પસાર થતી હતી ત્યારે યલો ટી શર્ટ,બ્લેક જીન્સ અને મોંઢે દુપટ્ટો બાંધેલી એક યુવતી મારી પાસે આવી હતી અને મારો મોબાઇલ ઝુંટવી લેવાનો પ્રયાસ કરી મને સ્કૂટર તરફ ખેંચી જતી હતી.
સ્કૂટર પર એક યુવક હતો અને તે લોકો અહીંથી જ ઉપાડી લો તેમ કહેતા હતા.જેથી મેં કોલેજનો ગેટ પકડી રાખી બૂમો પાડતાં બંને યુવક-યુવતી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં કારેલીબાગના પીઆઇ એનએમ ચૌધરીએ જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને સ્કૂટરના નંબરને આધારે તપાસ કરાવી હતી.
પોલીસે સ્કૂટર લઇ આવેલા કોલેજના વિદ્યાર્થી જૈમિન સંજયભાઇ પરમાર(ઉમા બેન્ક સામે,જ્યુપીટર ચોકડી,જીઆઇડીસી)ની ધરપકડ કરતાં તેણે સાવલીના પિલોલ ખાતે રહેતા તેના સંબંધી યુવક જૈમિન મનોજભાઇ પરમારના કહેવાથી આ કામ કર્યું હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે બીજા જૈમિનને પણ ઝડપી પાડયો હતો.બંનેેને રિમાન્ડ પર લેતાં સાવલીવાળા જૈમિન વિદ્યાર્થિનીને પજવતો હોવાથી કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે ફરાર થયેલી યુવતીની પણ શોધખોળ હાથ ધરી છે.


