અભણ ખેડુતોની જમીન હડપવાનો કારસો : ભૂમાફિયા મીહીરની ધરપકડ
- ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનો વિશ્વાસ કેળવી છેતરપિંડી
અમદાવાદ,તા.22 ફેબ્રુઆરી 2023,બુધવાર
અમદાવાદ ગ્રામ્ય અને તેની આસપાસના વિસ્તારમાં ભોળા અને અભણ ખેડુતોને છેતરીને તેઓની કરોડો રૂપિયાની જમીન હડપી લેવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરનાર ભુમાફિયા મીહીર પટેલની ગ્રામ્ય એસઓજીની ટીમે ધરપકડ કરી છે. આરોપી જમીન ભાડે લેવાના બહાને કે વેચાણ લેવાના બહાને ખેડુતોને રૂપિયા આપ્યા વગર જમીનનું વેચાણ બાનાખત કે દસ્તાવેજ તૈયાર કરી ખેડુતોને રૂપિયા ચુકવ્યા વગર જમીન હડપી લેવાનું કારસ્તાન આચરતો હતો. ગ્રામ્ય એસઓજીએ અનેક ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપીને મહત્વની સફળતા મેળવી છે.
ખેડુતોની જમીન ભાડે કે ખરીદવાની વાત કરી બોગસ દસ્તાવેજ કે બાનાખત બનાવી જમીન પચાવવાનો કારસો
ગ્રામ્ય એસઓજીની ટીમે ધોળકાના કલીકુંડ વિસ્તારમાં શાંતિનગર સોસાયટીમાં રહેતાં ભુમાફિયા મીહીરભાઈ મનસુખભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી વિરૂધ્ધ કણભા પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર ભીખાભાઈ પટેલએ ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરી જમીન હડપી લેવાના પ્રયાસની ફરિયાદ કરી હતી. જે મુજબ આરોપીએ ફરિયાદીની જમીન પચાવી પાડવાનાર ઈરાદે કાવતરૂ ઘડીને જમીન ભાડે લેવાની વાત કરી ભાડા કરાર તૈયાર કરવાની વાત કરી હતી. જે ભાડા કરારમાં ખેડૂતોની સહીઓ લઈ લીધા બાદ આરોપીએ આગળના પાનાં ફાડી નાંખી સહીવાળા પાનાનો ઉપયોગ ખેડુતોની જમીનનો બનાવટી બાનાખત તૈયાર કરવામાં કર્યો હતો. આ રીતે આરોપીએ બોગસ બાનાખત તૈયાર કરી ખેડુતોની જમીન હડપી લેવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીએ અગાઉ જગદીશ શિવાભાઈ પટેલની પરઢોલ ગામની જમીન ૧.૪૫ કરોડમાં વેચાણ લેવાની વાત કરી એક લાખનો ચેક આપ્યો તેમજ ખેડુતને જણાવ્યું કે, તમારી જમીનમાં તમારૂ નામ જગાભાઈ ચાલતું હોય તમારે એફિડેવિટ કરી આપવું પડશે. તે કહી આરોપીએ ખેડુતને ચોપડો આપી તેમાં અને કાગળોમાં સહીઓ લીધી હતી. આરોપીએ બાદમાં કોર્ટમાં ખેડુત વિરૂધ્ધ દાવો કર્યો હતો. ખેડુતે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, આરોપીએ પરઢોલ ગામની જમીન ખરીદવાના બહાને ફરિયાદીની બિલાસીયા ગામની જમીનનો બોગસ બાનાખત તૈયાર કર્યો છે. આ જ રીતે આરોપીએ એણાસણ ગામમાં જમીન ધરાવતા ખેડુત કાંતીજી સમજાવીને તેઓના ખાતામાં રૂપિયા જમા કરાવી પોતે જાતે ઉપાડી લીધા હતા. બાદમાં રજીસ્ટ્રાર ઓફિસમાં લઈ જઈ કહ્યું કે, સાહેબ જે કહે તેનો હામાં જવાબ આપજો. આ રીતે ખેડુતને ભોળવીને આરોપીએ કોઈ પણ રકમ ચુકવ્યા વગર ખેડુતની જાણ બહાર નિરક્ષરતાનો ફાયદો ઉઠાવી જમીનનો વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી લીધો હતો.
બોપલ-નડિયાદમાં જમીનની ઠગાઈ, ખેડુતને ૭ કરોડ ના આપ્યા
પોલીસ તપાસમાં આરોપીએ બોપલ વિસ્તારમાં જમીન ખરીદવાના બહાને છેતરપિંડી આચર્યાની કબૂલાત આરોપી મીહીર પટેલે કરી હતી. આ ઉપરાંત નડિયાદ ટાઉન વિસ્તારમાં ખેડુત શાંતાબહેન નાથાભાઈ પટેલની જમીન ૭,૨૮,૮૧,૦૦૦ હજારમાં ખરીદવાની વાત કરી આરોપીએ વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. આ વેચાણ દસ્તાવેજ કરાવ્યા બાદ આરોપીએ જમીન વેચાણની રકમ શાંતાબહેનના ઘરે પહોંચાડવાની વાત કરી હતી. જો કે, આજદીન સુધી આરોપીએ મહિલા ખેડુતને જમીનના પૈસા ચુકવ્યા નથી.