Get The App

વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ, ચારની ધરપકડ, કૌભાંડની આશંકા

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ, ચારની ધરપકડ, કૌભાંડની આશંકા 1 - image


Vadodara Bogus Document Scam: ગુજરાતમાં નકલી વસ્તુઓ, અધિકારીઓ અને દસ્તાવેજોમાં વધુ એક નકલીનો ઉમેરો થયો છે. વડોદરામાંથી નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. મૂળ યુપીના શખ્સે વડોદરા કોર્પોરેશનની કચેરી ખાતે આધારકાર્ડ કઢાવવા માટે બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરતા શહેરમાં નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. 

વડોદરાના રાવપુરા વિસ્તારમાં નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં કોર્પોરેશનની વસ્તી ગણતરીની કચેરી ખાતે આધારકાર્ડ અંગેની કામગીરી કરવામાં આવે છે. આજે સવારે વસ્તી ગણતરી અધિકારી તરીકેની ફરજ બજાવતા આસિ. મ્યુ. કમિશનર દક્ષિણ ઝોન તથા આધાર કાર્ડ સેન્ટરના હેડ તરીકે વધારાનો ચાર્જ સંભાળતા સેશન્સ ઓફિસર સમીક જોષી હાજર હતા, તે સમયે કાશીદ રાશિદ સિદ્દીકી (રહે -મહેન્દ્રનગર, વડસર જીઆઇડીસી રોડ ,માંજલપુર/ મૂળ રહે -ઉત્તર પ્રદેશ) નામનો શખ્સ માતા સાથે આધાર કાર્ડ કઢાવવા માટે પહોંચ્યો હતો. જ્યાં ઓફિસરે આધાર કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરતા શાકભાજીની લારી ચલાવતા કાશીદ સિદ્દીકીએ જમનાભાઈ જનરલ હોસ્પિટલના નામનું બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. 

મહત્વનું છે કે, શહેરી હદ વિસ્તારમાં જન્મ મરણનો દાખલો ઇશ્યૂ કરવાની સત્તા માત્ર કોર્પોરેશનની જન્મ મરણ શાખાને જ હોય અધિકારીને શંકા જતા આ પ્રમાણપત્ર બાબતે જન્મ મરણ શાખાની કચેરીમાં ચકાસણી કરાવતા તે નકલી હોવાનું બહાર આવ્યુ હતું. અને શખ્સે આ ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ તેના પિતા રાશિદ સિદ્દીકીએ કઢાવેલ હોવાની કબુલાત કરી હતી. જેથી ઓફિસરે પોલીસ કંટ્રોલને જાણ કરી રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મામલે એસીપી સી ડિવિઝન એ.પી. રાઠવાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ફરિયાદ મળતા જ એક્શનમાં આવેલ રાવપુરા પોલીસે તાત્કાલિક બીએનએસ 336 (2) અને 340(2) હેઠળ ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

એજન્ટ મારફતે ઝેરોક્ષની દુકાનેથી માત્ર રૂ. 600માં બોગસ જન્મ દાખલો બનાવ્યો 

બોગસ જન્મ દાખલો રજૂ કરનાર કાશીદના પિતા રાશિદ સિદ્દીકીની પોલીસે પૂછપરછ કરતા તેણે એજન્ટ ફિરોજ નાસીર પઠાણ (રહે- ઇન્દિરા નગર, વડસર ફાટક ,માંજલપુર )   મારફતે મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલ ઝેરોક્ષની દુકાન ધરાવતા અજયકુમાર રણછોડભાઈ મકવાણા (રહે- ફોર્ચ્યુન સ્કાય લાઈન્સ ,અટલાદરા) પાસેથી માત્ર રૂ.600 માં આ બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવ્યું હોવાની કબુલાત કરી હતી. જ્યારે એજન્ટ ફિરોજ પઠાણ 200 રૂપિયા કમિશન મેળવતો હતો.

કેટલા બોગસ પ્રમાણપત્રો બનાવ્યા તે જાણવા પોલીસ આરોપીના રિમાન્ડ મેળવશે 

અજયકુમાર મકવાણાએ અગાઉ કેટલા બોગસ પ્રમાણપત્રો બનાવ્યા છે તથા એજન્ટ ફિરોજ પઠાણએ કેટલા લોકો પાસેથી કમિશન મેળવ્યું છે , કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી, અન્ય કોઈની સંડોવણી છે કે નહિ? સહિતના મુદ્દે વધુ તપાસ હેતુ પોલીસે આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

પ્રજા અને દેશની સુરક્ષાની વાત આવે ત્યારે આ ખૂબ જ ગંભીર વિષય છે : આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર

સેશન્સ ઓફિસર શમિક જોષીએ જણાવ્યું હતું કે, અરજદારે બોગસ જન્મ દાખલો રજૂ કર્યો હોય પોલીસ કંટ્રોલને જાણ કર્યા બાદ પોલીસ અડધો કલાક વિલંબથી આવી હતી. અને મારી સાથે યોગ્ય વર્તન કર્યું ન હતું. હાલ પહેલગામ આતંકી હુમલા બાદ જ્યારે પ્રજા અને દેશની સુરક્ષાની વાત આવે ત્યારે આ ખૂબ જ ગંભીર વિષય છે. તેથી પોલીસે હદનો વિષય બાજુમાં રાખી કામગીરીની પદ્ધતિમાં બદલાવ કરી જવાબદારી સ્વીકારી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી કથિત કૌભાંડ અને કૌભાંડીઓને પકડી સખત સજા કરવા કરાવવી જોઈએ. અને પોલીસે પણ ફરિયાદી બનવું જોઈએ.

ડુપ્લીકેટ ફાયર એનઓસી મામલે પણ આવી કુશળતા જરૂરી હતી

આજવારોડ અર્શ પ્લાઝાની ફાયર એનઓસી બોગસ નીકળતા તત્કાલીન ઇન્ચાર્જ ફાયર ચીફ ઓફિસર નિકુંજ આઝાદએ રાવપુરા તથા બાપોદ પોલીસ મથકે સમગ્ર મામલાની તપાસ કરવા અરજી આપી હતી, અર્શ પ્લાઝાના સંચાલક ડો.નઝમા, રૃહાના શેખ અને સલીમભાઇ તથા ડૂપ્લિકેટ એનઓસી આપનાર શિવાય ફાયર સર્વિસીસના સંચાલક જયેશ મકવાણાના પોલીસે નિવેદન નોંધ્યા હતા. કોર્પોરેશનની ઈમેજ ખરડાય તથા નાગરિકોની સુરક્ષા જોખમાય તેવો ગંભીર વિષય હોવા છતાં હજુ સુધી એફઆઇઆર નોંધાઈ નથી.


Tags :