Get The App

બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.!

પૂર્વ એપેક્સ કાઉન્સિલ સભ્યની ઠરાવ માટે બેલેટ વોટિંગની માગ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.! 1 - image

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી જાહેર ન કરી દર ત્રીજા વર્ષે યોજાનારી ચૂંટણીના બંધારણમાં ફેરફાર કરી ચૂંટણી લંબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વ એપેક્સ કાઉન્સિલ સભ્યએ બેલેટ વોર્ટિંગ દ્વારા ઠરાવ કરવાની માગ કરી છે.

એડવોકેટ કમલ બી. પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખને રજૂઆત કરી છે કે, ૮૫મી એન્યુઅલ જનરલ મિટિંગમાં બરોડા એસોસિએશનના બંધારણમાં સુધારામાટે ઉલ્લેખ કર્યા છે. નવા બંધારણની જોગવાઈ મુજબ જનરલ કે જનરલ બોર્ડની મિટિંગમાં હાજર સભ્યોની સંખ્યામાંથી ૩/૪ સભ્યો પાસ કરે અને ત્યારબાદ તે સુધારો નામદાર સુપ્રીમ કોર્ટમાં મંજૂરી માટે મેળવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હોદ્દેદારો દ્વારા બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. લોઠા કમિટી આવ્યા પછી જે હોદ્દેદારોની ઉંમર ૭૧ વર્ષ ઉપરાંત હતી તે તમામે સ્વેચ્છાએ રાજીનામાંઆપી દીધા હતા. હોદ્દેદારો નો સમય પૂરો થઈ ગયો હોવા છતાં જે સુધારો બંધારણમાં કરવા જઈ રહ્યા છે તે યોગ્ય નથી. અને સામાન્ય સભ્યોને લાઇફ મેમ્બર બનાવવા અને સભ્યના કુટુંબમાંથી એક સભ્યને મેમ્બરશીપ આપવાની વાતનો છેદ ઉડાવી દીધો છે. સુધારો કરવાની મિટિંગમાં જે ઠરાવ કરવાનો છે તેમાં સભ્ય દ્વારા બેલેટ વોટિંગ કરવામાં આવે. બરોડા ક્રિકેટ એસોસિએશનના નાણાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોટંબી સ્ટેડિયમ રૂ.૨૨૫થી ૨૫૦ કરોડમાં થઈ શકે તેવી ચર્ચા હતી. હાલના સમયે રૂ.૩૫૦ કરોડ સુધીનો ખર્ચ સ્ટેડિયમ પાછળ થયો છે. તેમ છતાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ માટે ત્રીજા રસ્તાની કે વીઆઈપી રસ્તાની સુવિધા નથી. લાયકાત ન ધરાવનારને બરોડા ક્રિકેટ એસોસિએશન સોંપી દેવાની કાર્યવાહી પ્રમુખ દ્વારા થઈ રહી હોઈ તે યોગ્ય નથી. બીસીએના વર્ષો જૂના બંધારણ સાથે થઈ રહેલ છેડછાડ અને ચૂંટણી લંબાવવાની થઈ રહેલી ચેષ્ટાનો વિરોધ કરવો જોઈએ.