સુલેમાની પથ્થરથી હથિયારની ઇજા ન થવાનો દાવો કરી રૂ.20 કરોડની ઠગાઈનો પ્રયાસ, ત્રણ સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : પોતાની પાસે રહેલો સુલેમાની પથ્થર કોઈ વ્યક્તિ પાસે રાખવામાં આવે તો તેના પર ચાકુ કે અન્ય હથિયારની ઇજા થતી નથી તેવો દાવો કરી રૂ.20 કરોડમાં પથ્થર વેચવાનો પ્રયાસ કરનાર ત્રિપુટી વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ઠગાઈ, વિશ્વાસઘાત, ધમકી અને ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરાના કલાદર્શન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા યોગેશ પંડ્યા જ્યોતિષશાસ્ત્રનું કામકાજ કરે છે. ફરિયાદ અનુસાર, લગભગ બે મહિના અગાઉ તેમને જાણ થઈ હતી કે ભાવનગર જિલ્લાના વળાવડ ગામના વિજયસિંહ ગોહિલ પાસે એક સુલેમાની કાળો પથ્થર છે, જે પોતાની પાસે રાખનાર વ્યક્તિને ચાકુ કે અન્ય હથિયારથી ઇજા થતી નથી.
યોગેશ પંડ્યાએ વિજયસિંહનો સંપર્ક કરતા તેણે પથ્થર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહક માટે ડેમો બતાવવાની તૈયારી દર્શાવી હતી. તા.8 જૂને કપુરાઈ ચોકડી નજીક આવેલી એક હોટલમાં વિજયસિંહ ગોહિલ, મહેબૂબ, અકરમ અને અન્ય એક વ્યક્તિએ યોગેશ પંડ્યા તથા તેમના સાથીદારોને પથ્થરની અસર દર્શાવતો ડેમો આપ્યો હતો.
બીજા દિવસે તેઓ યોગેશ પંડ્યાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં પથ્થરની કિંમત રૂ.20 કરોડ હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ફરી હોટલમાં મળ્યા ત્યારે યોગેશ પંડ્યાએ વધુ ડેમો બતાવવા માંગતા વિજયસિંહે પહેલા રૂપિયા બતાવવાની શરત મૂકી હતી. ઠગાઈની શંકા જતા યોગેશભાઈ સહિતના વ્યક્તિઓએ ખરીદીનો ઇનકાર કર્યો હતો, જેથી વિજયસિંહે તેમને અહીં બોલાવ્યા હોવાથી રૂ.50 હજાર ચૂકવવા પડશે, નહીં તો જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન યોગેશ પંડ્યા અને તેમના મિત્ર એટીએમમાંથી રૂપિયા લાવવાનું કહી ત્યાંથી નીકળી ગયા હતા.
બનાવ અંગે ફરિયાદ મળતા કપુરાઈ પોલીસે વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અને અકરમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક બેગમાંથી ચળકતો કાળો પથ્થર કાઢી ડેમો બતાવ્યો
વડોદરા આવી ફરિયાદીના નિવાસ્થાને ડેમો આપવા માટે આરોપીઓએ એક ચમકતો કાળો પથ્થર, ચાકુ અને કાતર વડે વિવિધ પ્રયોગો કરી પથ્થરની વિશેષ શક્તિ હોવાનો દાવો કર્યો હતો. ડેમો દરમિયાન એક વ્યક્તિના હાથમાં પથ્થર પકડાવી તેના વાળ અને હાથના રૂંવાટા કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચાકુ વડે ઘા મારતા પણ ઇજા ન થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
વીડિયો મોકલી વિશ્વાસ વધાર્યો
વિજયસિંહ ગોહિલે અગાઉ એક વીડિયો પણ મોકલ્યો હતો. જેમાં એક યુવકના હાથમાં કાળો પથ્થર રાખ્યા બાદ બ્લેડ અને ચાકુ વડે ઘા કરવામાં આવતા કોઈ ઇજા થતી ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ વીડિયો દ્વારા પથ્થરની કથિત શક્તિ અંગે વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો.









