Gujarat

મંજુસર પાસે એટીએમને ગેસ કટરથી તોડવાનો પ્રયાસ

By GS TEAM
26 Jun 20251 min read
મંજુસર પાસે એટીએમને ગેસ કટરથી તોડવાનો પ્રયાસ

વડોદરા, તા.26 વડોદરા નજીક સાંકરદા-ભાદરવારોડ પર ઇન્ડિયા વનનું એટીએમ તોડવાના પ્રયાસ બાદ આ જ કંપનીના મંજુસર જીઆઇડીસી ગેટની પાસે બીજા એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો.

વડોદરાના સમારોડ પર રહેતા નિર્મલ જયંતિલાલ ગુર્જરે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઇન્ડિયા વન પેમેન્ટ લી. કંપનીમાં ઝોનલ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવું છું. મંજુસર ખાતેના એટીએમમાં રૃપિયા ભરવા માટેની જવાબદારી વિજય અગ્રવાલને સોંપી છે. તા.૨૩ના રોજ વિજયે બપોરે એટીએમમાં રૃા.૧.૫ લાખ મૂક્યા હતાં અને બીજા દિવસે સવારે વિજય પર કોઇ વ્યક્તિને ફોન આવ્યો  હતો અને એટીએમ બંધ છે તેમ કહ્યું હતું.

બાદમાં બીજા દિવસે જ્યાં એટીએમ છે તે જગ્યાના માલિક વજેસિંગ વાઘેલાએ ફોન કરીને વિજયને જણાવેલ કે એટીએમ તૂટેલું છે. બાદમાં વિજયે સ્થળ પર જઇને જોયું તો પૈસા રાખવાના લોખંડના વોલ્ટની જમણી બાજુના ભાગે ગેસ કટર વડે વોલ્ટ કાપવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું હતું. આ ઉપરાંત નેટવર્કનો કેબલ અને સીસીટીવી કેબલ પણ કાપેલા હતાં પરંતુ પૈસાની ચોરી થઇ ન હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.