ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા
પતિએ ઘરમાંથી નીકળી જવાનું કહીને માથામાં ધોકો માર્યો ઃ ત્રણ સામે ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામમાં ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર પરણીતાને પસ્તાવાનો વારો આવ્યો છે. પતિ અને સાસુ તેમજ માસી સાસુ દ્વારા તેણીને ઝેરી દવા પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ ચિલોડા પોલીસ દ્વારા ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છેલ્લા થોડા સમયથી સમાજમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વધી
રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર નજીક આવેલા મગોડી ગામમાં પ્રેમ લગ્ન કરનાર પરણિતાને
ઝેરી દવા પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેણે ચાર વર્ષ
અગાઉ મગોડી ગામમાં રહેતા યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવનથી અઢી
વર્ષ પહેલાં એક બાળકને જન્મ આપ્યો હતો. પતિ ખેતી કામ કરે છે જ્યારે સાસુ
ગાંધીનગરમાં નોકરી કરે છે. છેલ્લા થોડા સમયથી પતિ પત્ની વચ્ચે મનમેળ આવ્યો ન હતો.
જેના કારણે પતિએ તેણીને આ ઘર મારું છે અને મારા નામે છે તેમ કહીને ઘરમાંથી નીકળી
જવા માટે ત્રાસ આપતો હતો. ગઈકાલે રાત્રે તકરાર વધતા પતિએ તેણીના માથામાં લાકડાનો
ધોકો મારી દીધો હતો. આ દરમિયાન નોકરી ઉપરથી સાસુ ઘરે આવ્યા હતા અને તેઓ તેમજ તેના
માસી સાસુ પણ ઘરે હતા. જેથી બંને જણાએ તેણીને પકડી રાખી હતી અને પતિએ ખેતરમાં
છાંટવાની દવા પીવડાવે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં તેણીને ઘરમાં
પૂરીને દરવાજો બંધ કરીને નીકળી ગયા હતા. જેથી માતાને ફોન કર્યો હતો અને તેઓ
તાત્કાલિક આવી જતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં
આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ ત્રણેય વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.


