Gujarat

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી હુમલાની ઘટના બાલાશિનોરમાં ધો-૮ના વિદ્યાર્થી પર સહપાઠીનો ચપ્પુથી હુમલો

By GS TEAM
21 Aug 20251 min read
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી હુમલાની ઘટના  બાલાશિનોરમાં ધો-૮ના વિદ્યાર્થી પર સહપાઠીનો ચપ્પુથી હુમલો

બાલાસિનોર, તા.૨૧ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરી હોવાના બનાવે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે, ત્યારે આજે સાંજે મહીસાગર જિલ્લાના બાલાશિનોરમાં શાળા છૂટયા બાદ ધો.૮ના વિદ્યાર્થી ૫ર સહપાઠીએ ચપ્પા વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાલાશિનોરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાંથી આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વિદ્યાર્થીઓ છૂટીને બહાર નીકળ્યા હતાં. આ સમયે ધો.૮ના એક વિદ્યાર્થી પર તેની સાથે જ સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કરતા ભોગ બનનાર વિદ્યાર્થી લોહીલુહાણ થઇ જતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો છે. 

અમદાવાદની ઘટના બાદ બાલાશિનોરમાં પણ આવી કોઇ ઘટના ના બને તે માટે પોલીસ કાફલાએ દોડી જઇને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઘટના બાદ રાત્રે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે. હુમલો કરનાર વિદ્યાર્થી કોણ હતો તેમજ ક્યાં કારણોસર ઇજા પહોંચાડી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.