Get The App

અંજારમાં ખેતર પર કબ્જો કરવા જમીન પર રાખેલા વાહનો ચોરી કરવાનો પ્રયત્ન કરાયો

Updated: Mar 6th, 2025

GS TEAM

Google News
Google News
અંજારમાં ખેતર પર કબ્જો કરવા જમીન પર રાખેલા વાહનો ચોરી કરવાનો પ્રયત્ન કરાયો 1 - image

ક્રેનથી ખેતરમાં રાખેલા વાહનો બહાર કાઢી લેવાયા, પોલીસ આવી જતાં ધમકી આપી શખ્સો ફરાર 

ગાંધીધામ: અંજાર સીમમાં આવેલા ખેતર પર કબ્જો કરવા આવેલા શખ્સોએ ખેતરમાં રાખેલા ૩ ભારે વાહનોને ક્રેનની મદદથી ખેતર માથી બહાર કાઢી નાખ્યા હતા અને વાહનો ચોરી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. જે દરમિયાન પોલીસ બોલાવી લેતા આરોપીઓએ ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. 

આ અંગે ભીમાસર ગામે રહેતા રોહિત સામજીભાઈ ઓદીચ્યએ જણાવ્યુ હતું કે, તેમના હીરાપર ગામે રહેતા તેમના બનેવી મૂકેશ વેલા મઢવીનો તેમને તા. ૪-૩ના બપોર પછી ફોન આવ્યો હતો કે, ચોકિદાર રબારી કાકાની ઘરવાળીનો ફોન આવ્યો છે અને કહ્યું છે કે, અંજાર સીમની સર્વે નં. ૯૮૪/ પૈકી ૧૫૪ વાળી જમીન ઉપર ગુંડા લોકો આવ્યા છે અને આપણી ટ્રકો ક્રેન દ્વારા ટોચન કરીને લઈ જાય છે. જેથી ત્યાં જઇ તપાસ કરવાનું કહેતા રોહિતભાઈ સ્થળ પર ગયા હતા ત્યાં અમુક ઇસમો દ્વારા ટ્રકો ટોચન કરીને લઈ જતા હતા. જેથી ફરિયાદી સ્થાનીકે જતાં તે ઈસમોએ કહ્યું હતું કે અમે જમીનનો પર કબ્જો કરવાનો કામ કરીએ છીએ. આ ટ્રકો કયાં લઈ જાઓ છો? તેવું પૂછતાં તેણે કહ્યું હતું કે, આ ટ્રકો હવે અમારી છે, તમારાથી થાય તે કરી લેજો, તેમજ આ જમીન ખાલી નહિ કરો તો જાનથી મારી નાંખીશું. સાત-આઠ માણસો દ્વારા આવી ધમકી આપી અને માલિકના ખેતરમાંથી સંમતિ વગર વાહનો લઈ જતા હોવાથી અંજાર પોલીસને જાણ કરતા અંજાર પોલીસના કર્મચારીઓ આવી પહોચ્યા હતા. જેથી આરોપીઓ જતાં જતાં આજે પોલીસ આવી ગઈ છે એટલે કઈ કરતા નથી, પરંતુ બીજી વાર તને મૂકિશ નહિ અને આ જગ્યા ઉપરથી આ ટ્રકો ઉપાડી જશું અને આ જમીન પણ ઝૂટવી લઈશું તેવી ધમકી આપી નાસી ગયા હતા. જે બનાવ સંદર્ભે ફરિયાદીએ અંજાર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે.  

જે વાહનો ચોરી કરવાનો પ્રયત્ન કરાયો તે પોલીસે જ સીઝ કરેલા છે 

આ અંગે ફરિયાદી રોહિતભાઈના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૪ના ઓગષ્ટ માહિનામાં તેમના સંબંધીઓમાં બે પાર્ટનર વચ્ચે મતભેદ થયાં બાદ છેતરપિંડી થઈ હોવા અંગેની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આ ફોજદારી ફરિયાદ સંદર્ભે તે કેસમાં આરોપીના ખેતરમાં જ વાહનો સીઝ કરી મૂકી રાખ્યા છે. દરમિયાન પોલીસે સીઝ કરેલા વાહનોની માથાભારે તત્વો દ્વારા ચોરી કરવાનો પ્રયત્ન થયો છે. જે વાહનો હાલે પણ ખેતરથી બહાર ઉભેલા છે. જોકે આ બાબતે અંજાર પોલીસ મથકના પીઆઈ એ. આર. ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસને ફરિયાદ મળી છે. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ આરંભી દીધી છે. વાહનો જે ખેતરથી બહાર છે તેને સલામત સ્થળે રાખી પણ દેવાશે.