તળાજા, તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર
તળાજાના રાળગોન ગામે ગુનાના કામે શખસને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચની ટુકડી ગઈ હતી તે વેળાએ શખસના પરિવારે તેઓની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરાતા ભારે ચકચાર મચી જવા પામી હતી જ્યારે હુમલામાં ઘવાયેલ સાત પોલીસ કર્મચારીને તળાજા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ તળાજા - બગદાણા પોલીસ સ્ટાફ રાળગોન દોડી ગયો હતો અને બે મહિલા સહિત ચારની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ગુનાના કામે નાસતા ફરતા રાળગોનના શખસને વોરંટની બજવણી કરી ઝડપી લેવા ગઈ હતી તે વેળાએ આજે સાંજનાં ૫.૩૦ કલાકના અરસા દરમિયાન મહિલાઓ અને શખસોએ પોલીસ કર્મચારીઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી સશસ્ત્ર હુમલો કરી દઈ પથ્થરવડે માર મારી સ્ટાફને બટકા ભરી જતા ક્રાઈમ બ્રાંચના જીવણભાઈ રામજીભાઈ ભંમર (ઉ.વ.૪૮), તરૂણભાઈ કુબેરભાઈ નાંદવા (ઉ.વ.૩૬), હારિતસિંહ કિરીટસિંહ ચૌહાણ (ઉ.વ.૩૫), નરેશભાઈ વેલજીભાઈ (ઉ.વ.૨૮), જયદિપસિંહ પ્રવિણસિંહ (ઉ.વ.૨૯), ભદ્રેશભાઈ ગણેશભાઈ પંડયા (ઉ.વ.૩૧) અને મહિપાલસિંહ પથુભા ગોહિલ (ઉ.વ.૪૪)ને નાની મોટી ઈજા પહોંચતા તમામને તાત્કાલીક સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાંચની ટુકડી પર હુમલાના બનાવના પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના પી.આઈ. તળાજા પો.સ્ટે.ના પી.એસ.આઈ. બગદાણા પી.એસ.આઈ. સહિતનો પોલીસ કાફલો રાળગોન ગામે દોડી ગયો હતો. દરમિયાન પોલીસ ટુકડીએ તપાસ હાથ ધરી હુમલા મામલે બે મહિલા અને અન્ય બે યુવાનની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બનાવ અનુસંધાને તળાજા પોલીસે રાત્રિના સરકારી ફરજમાં રૂકાવટ તળે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.


