જમીન દલાલીના રૂપિયાના મુદ્દે બ્રોકરની ઓફિસ પર જઈને હુમલો કરી ધમકી આપી
Vadodara : વડોદરામાં વાડી વિસ્તારના રંગમહાલ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા આબ્બાસી અમીરુદ્દીન કાચવાલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે હું મારી ઓફિસે હાજર હતો. તે વખતે મારો ધંધાનો મિત્ર આરીફ ઉર્ફે માંજરો અબ્દુલભાઈ શેખ રહે જહાંગીરપુરા વાડી આવ્યો હતો. આરીફ અને લીયાકતે પાસે કપૂરાઈ પાસે એક જમીન વેચવા માટે આવી હોય ખેડૂતોને તે લઈને આવ્યો હતો. અમે જમીન ટોકન આપી બાનાખત કર્યું હતું.
આ જમીનમાં બંનેને દલાલીના રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ જમીન અમે હેમંત પટેલ અને હર્ષ પટેલ નામના વેચી દીધી હતી. તે જમીનની દલાલીના લીયાકતને 18 લાખ અને આરીફને 15 લાખ આપ્યા હતા. જેમાં ત્રણ લાખ આપવાના બાકી હતા પરંતુ બિલ્ડરોએ મને પુરા રૂપિયા આપ્યા ન હોવાથી મેં ત્રણ લાખ બાકી રાખ્યા હતા. જે લેવા માટે અવારનવાર આરીફ આવતો હતો. તેણે મને ગાળો બોલી લાફો મારી દીધો હતો અને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ આરીફ અને તેનો ભત્રીજો આદિલ છરો લઈને મારી ઓફિસમાં આવી ગયા હતા અને મને ગાળો બોલી હુમલો કર્યો હતો. આદિલ ઉર્ફે બાટલાએ મને ધમકી આપી હતી કે તું મને જ્યાં મળીશ ત્યાં તને જીવતો પતાવી દઈશ.