યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ
મણિપુર -આસામ બાદ ઉત્તરપ્રદેશમાં એટીએસની કાર્યવાહી
૧૧ લાખ સુધીની રકમ લઇને લાયસન્સ તૈયાર કરાયા હતા માસ્ટર માઇન્ડ દેવકાંત પાંડેની શોધખોળ શરૂ કરાય
અમદાવાદ,સોમવાર
ગુજરાત એટીએસ દ્વારા બોગસ હથિયાર લાયસન્સ અને ગેરકાયદે હથિયારના કેસમાં શરૂ કરેલી તપાસ ઉત્તરપ્રદેશના એટા જિલ્લા સુધી પહોંચી છે. જેમાં દેવકાંત પાંડે નામના મુખ્ય આરોપીએ ૧૧ લાખ સુધીની રોકડ લઇને બોગસ લાયસન્સ અને હથિયાર પુરા પાડયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશથી સમગ્ર દેશમાં ગેરકાયદે લાયસન્સ અને હથિયાર પુરા પાડવાનું કૌભાંડ ચલાવતો હતો.
ગુજરાત એટીએસ દ્વારા મણિપુર અને આસામમાંથી ગેરકાયદે હથિયારના લાયસન્સના કેસની તપાસ ચાલુ છે. તે દરમિયાન ગુજરાતમાંથી સાત વ્યક્તિઓને સાત જેટલા હથિયાર અને ૨૮૫ જેટલા કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જે અંગે ગુજરાત ેએટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીએ જણાવ્યું કે અટકાયત કરાયેલા સાત વ્યક્તિઓને અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુર ઉત્તરપ્રદેશમાં એટા જિલ્લામાં રહેતા દેવકાંત પાંડે સાથે મળીને બોગસ લાયસન્સ અને હથિયાર આપવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના વતની હોય અને જે લોકો અમદાવાદમાં સ્થાયી હોય તેમનો સંપર્ક શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુર કરતા હતા અને તેમને ઘરે બેઠા જ હથિયારનું લાયસન્સ અને હથિયાર આપવાની ખાતરી કરીને એડવાન્સમાં પાંચ થી અગીયાર લાખ સુધીની રકમ લઇને દેવકાંત પાંડે પાસે લાયસન્સ તૈયાર કરાવતા હતા. પોલીસે આ કેસમાં સાત વ્યક્તિઓની અટકાયત કરવાની સાથે શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુરની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. જેમાં તેમણે અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં મોટા પ્રમાણમાં હથિયાર અને લાયસન્સ પુરા પાડયાની વિગતો સામે આવે તેવી શક્યતા છે.
પોલીસે અટકાયત કરેલા કરાયેલા વ્યક્તિઓએ પૈકી મુકેશ હુકમસિંહ ચૌહાણે લાયસન્સ માટે સાત લાખ, અભિષેક ત્રિવેદીએ પાંચ લાખ રૂપિયા,વેદપ્રકાશસિંહ રામબાબુસિંહે ૧૧ લાખ, રાજેન્દ્રસિંહ સાંખલાએ સાત લાખ, અજયસિંગ સેંગારે સાત લાખ, શૌલેસિંહ સેંગરે ૧૧ લાખ અને વિજય સેંગરે સાડા પાંચ લાખ રૂપિયા બોગસ લાયસન્સ અને હથિયાર માટે ચુકવ્યા હોવાનું જાણવા મળ્યું છે.