મુખ્ય સેવિકા (સીડીપીઓ) સહિતના શખ્સો સામે કાર્યવાહી
'તમે જમવાનું બનાવો છો, તે અમારા બાળકો ખાય તો અભળાઈ જાય' તેવા આક્ષેપનો ફરિયાદમાં ઉલ્લેખ
સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે રોહિત વાસમાં રહેતા શ્વેતાબેન હીરાલાલ લુમ્બિની (રોહિત) ગામમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવે છે. તેમની સાથે મિતલબેન જયેશભાઈ શર્મા તેડાઘર તરીકે ફરજ બજાવે છે. આંગણવાડીમાં બાળકોનું જમવાનું બનાવવાનું કામ મિતલબેન કરે છે, પરંતુ જ્યારે તેઓ હાજર ના હોય ત્યારે શ્વેતાબેન જમવાનું બનાવતા હતા.
દરમિયાન આંગણવાડીમાં આવતા બાળકોની સંખ્યા ઓછી થઈ જતા શ્વેતાબેન તેડાઘર સાથે ગામમાં આવેલા ભાથીજી ફળિયા તથા દેવીપુજક ફળિયામાં તપાસ કરવા માટે ગયા હતા. જ્યાં કમલેશભાઈ ગોવિંદભાઈ પરમાર, શિલ્પાબેન હિતેશભાઈ ગોહેલ, અજયભાઈ ગોરધનભાઈ વાઘેલા, નેહાબેન વિપુલભાઈ સોલંકી, પાર્વતીબેન વિરલભાઈ વાઘેલા અને સોનલબેન વિજયભાઈ ચુનારાએ 'તમે જમવાનું બનાવો છો, તે અમારા બાળકો ખાય તો અભળાય જાય, જેથી અમે અમારા બાળકોને મોકલતા નથી' તેમ જણાવ્યું હતું, તેવો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. જેથી આ અંગે મુખ્ય સેવિકા (સીડીપીઓ) ભાવનાબેન પટેલને જાણ કરતા તેમણે પણ અપમાનિત ભાષામાં 'તમારે આંગણવાડીમાં જમવાનું બનાવવાનું નહીં, નોકરી ના થતી હોય તો રાજીનામું આપી દો' તેમ કહ્યું હતું, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. જેથી શ્વેતાબેન લુમ્બિનીએ સોજીત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સેવિકા (સીડીપીઓ) સહિતના સાત શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


