અતિ પ્રિય કારની આવરદા પૂરી થતાં વેચવાને બદલે 'સમાધિ' !
લાઠી તાલુકાનાં પાડરશીંગા ગામનો અજીબ કિસ્સો ખેડૂત પરિવાર માટે નશીબવંતી સાબિત થયેલી કારનું વાજતે-ગાજતે ફૂલેકું કાઢીને વિદાયમાન આપ્યું
અમરેલી, : અમરેલી જિલ્લામાં કાર પ્રેમને લઈને અનોખો કિસ્સો સામે આવ્યો છે. લાઠી તાલુકાના પાડરશીંગા ગામના એક ખેડૂતે પોતાની લક્કી કારને વાજતે ગાજતે,સંતો મહંતોની હાજરીમાં અને મહેમાનોને તેડાવી સમાધિ આપી હતી.
લાઠી તાલુકાના પાડરશીંગા ગામમાં પોતાની મનપસંદ અને લક્કી કારને વાજતે ગાજતે વિદાઈ આપી સૌ કોઈને યાદગાર રહે તે માટે સમાધી અપાવી ત્યાં તેનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે. જેના માટે તેમણે પોતાના ખેતરમાં ૧૨ ફૂટ ઉંડો ખાડો ખોદાવ્યો હતો અને સમાધિ પ્રસંગે તેમના પરિવારજનો,સગા, સંબંધીઓ અને મહેમાનોને પણ તેડાવ્યાં હતાં. ખૂબ જ ધામધૂમથી વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોને પણ બોલાવવામાં આવ્યા હતાં. ઢોલ નગારા સાથે ગાડીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ગાડીનું વાજતે-ગાજતે ફૂલેકું કાઢી કારને ફૂલોની માળાથી શણગારી અંતિમ સંસ્કાર જેવી ધામક વિધિ કરવામાં આવી હતી. કારને ખેતરમાં ખોદવામાં આવેલા સમાધિના ખાડામાં ઉતારવામાં આવી અને તેની ઉપર બુલડોઝર વડે માટી નાંખવામાં આવી હતી.
ખેડૂતનું માનવું છે કે, તેઓએ કાર ખરીદ્યા બાદ આથક રીતે ઘણા સમૃદ્ધ થયા હતા અને તેમની પ્રતિા પણ વધી અને સમાજમાં નામના પણ થઈ હતી.આ ખેડૂત અને તેમના પરિવારને પોતાની કાર સાથે એક ખાસ લગાવ હતો, પરંતુ સમય જતાં હવે ઘણા વર્ષો થઈ ગયા હોવાને કારણે કાર સાથ આપી રહી ન હતી. તેમ છતાં ખેડૂતને તે ખૂબ જ વ્હાલી હતી, જેના કારણે તે પોતાની કાર વેચતા પણ નહોતા કે ભંગારમાં પણ નહોતા આપવા માગતા જેથી ઘણો વિચાર કર્યા બાદ આખરે તેમણે પોતાની કારને સમાધિ આપવાનો નિર્ણય કર્યો અને સંપૂર્ણ ધામક વિધિ સાથે વિદાય આપી હતી.