Gujarat

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું

By GS TEAM
19 Dec 20252 mins read
અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું

અમદાવાદ,શુક્રવાર,19 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષ તરફથી એમનેકસ ઈન્ફો ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડને ૧૨ વર્ષ માટે રુપિયા ૪૭૦ કરોડનુ સિંગલ ટિકીટ સીસ્ટમ માટેના મંજુર કરાયેલા ટેન્ડરને રદ કરવા માંગ કરાઈ હતી. રજુઆત પછી વિપક્ષ તરફથી અધ્યક્ષસ્થાને બેઠેલા મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ પાસેથી આ બાબતમાં જવાબ માંગવામા આવ્યો હતો.જોકે તમામે ટેન્ડર રદ કરવાની બાબતને લઈ મૌન સેવી લેતા એટલુ જ કહયુ હતુ કે,સારુ જોઈશું.વિપક્ષનેતાએ કટાક્ષ કરતા કહયુ,આટલો જંગી ખર્ચ કરીને બસો શું હવામા ઉડાડવાના છો? આના કરતા તો મસ્કની ડ્રાઈવરલેસ કાર વધુ સસ્તી પડે.જંગી રકમના ટેન્ડરને મંજુર કરાયા પછી ભાજપના એકપણ હોદ્દેદારોના ચહેરા ઉપર એની અસર જોવા મળી નહોતી.

ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા વિવાદાસ્પદ ટેન્ડરને લઈ કોંગ્રેસના અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે રજુઆત કરતા કહયુ,આપણે ભલે સ્માર્ટસીટીની વાતો કરતા હોઈએ.પરંતુ આ અમદાવાદ શહેરમાં લાખો લોકો એવા વસવાટ કરે છે.જે રોજ કમાઈ અને રોજ ખાવા જેવી પરિસ્થિતિમાં તેમનુ અને તેમના પરિવારનુ ગુજરાન કરે છે.આ બાબતથી તમામ લોકો વાકેફ છે.એએમટીએસ વર્ષોથી ચલાવવા ખાતર ચલાવવામા આવી રહી છે.બી.આર.ટી.એસ.ને પણ કોર્પોરેશન તરફથી લોનના આધાર ઉપર દોડાવવી પડે એવી હાલત છે.શહેરીજનોના વ્યાપક હીતને ધ્યાનમા રાખી બંને બસ સેવા લોકોને નિયમિત મળે એ માટે પ્રયાસ કરવા જોઈએ. અમારી આ ટેન્ડર રદ કરવાની  માંગણી છે.શહેરના વિવિધ વિસ્તારમા એમ.પી., એમ.એલ.એ.ની ગ્રાન્ટમાંથી બનાવવામા આવેલા ૮૦૦ બસ શેલ્ટર નવા બનાવવાના નામે તોડી પડાયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

૧૯૦ કરોડનો ખર્ચ કર્યા પછી જનમિત્ર કાર્ડ યોજના ઉપર શટર પાડી દેવાયુ

વર્ષ-૨૦૧૭-૧૮માં મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટસીટી પ્રોજેકટ હેઠળ ઈન્ટ્રીગેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ટિકીટ ફેર કલેકશન સિસ્ટમ વિકસાવી બી.આર.ટી.એસ.ના મુસાફરો માટે જનમિત્ર કાર્ડ યોજના શરુ કરી હતી.એ સમયે આ કાર્ડનો ઉપયોગ એએમટીએસ,બીઆરટીએસ ઉપરાંત પ્રોપર્ટી ટેકસ ભરવા કરી શકાશે એવો દાવો કરવામા આવ્યો હતો. આ જનમિત્ર કાર્ડ યોજના ઉપર શટર પાડી દેવાયુ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.

જનમિત્ર કાર્ડ બંધ થતા ફ્રી વાઈફાઈ સેવા બંધ કરાશે

૧ સપ્ટેમ્બર-૨૦૧૮થી બીઆરટીએસમા જેમની પાસે જનમિત્ર કાર્ડ હશે તેવા લોકો જ બીઆરટીએસ બસમા મુસાફરી કરી શકશે એવી જાહેરાત કરાઈ હતી.આ પ્રકારની જાહેરાત પછી ભાજપના કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે મતભેદ સર્જાતા આ પ્રકારનો નિર્ણય તત્કાલીન મ્યુનિ.કમિશનરે રદ કર્યો હતો.ઉપરાંત બીઆરટીએસ દ્વારા ૧૫૦થી વધુ સ્થળોએ વિનામૂલ્યે વાઈફાઈ સેવા જનમિત્ર કાર્ડ ધારકોને ઉપલબ્ધ કરાવાની જાહેરાત કરાઈ હતી.જનમિત્ર કાર્ડ બંધ થતા ફ્રી વાઈફાઈ સેવા બંધ કરાશે.