Accident in Ahmedabad: અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલું મોપેડ BRTS કોરિડોરની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા ચાલક પિતાનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમની 16 વર્ષની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી.
રેલિંગ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, બાપુનગર વિસ્તારમાં રહેતા કેતન પંચાલ ગત રાત્રે અંદાજે 11:30 વાગ્યાના સુમારે તેમની પુત્રીને મોપેડ પર બેસાડીને આસ્ટોડિયા દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. કેતન પોતાનું મોપેડ લઈને BRTS કોરિડોરમાં પ્રવેશ્યો હતો. પૂરઝડપે જઈ રહેલા મોપેડ પરથી કેતને અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને વાહન સીધું જ કોરિડોરની લોખંડની રેલિંગ સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે કેતનને માથાના ભાગે જીવલેણ ઈજા થઈ હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનામાં પિતાની પાછળ બેઠેલી કિશોરીને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.
મૃતક સામે જ ગુનો નોંધાયો
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. અકસ્માત માટે જવાબદાર ગણીને પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ જ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


