પ્રધાનમંત્રી આવાસમાં એક જ ફોટો અપલોડ કરી 7 લાભાર્થીને સહાય ચૂકવી દેવાઇ

- કપડવંજ તાલુકા પંચાયતમાં કૌભાંડની આશંકા
- મકાનના પ્લીન્થ લેવલનું કામ દર્શાવવા એક જ યુવકનો ફોટો અપલોડ કરી રૂા. 5.10 લાખની સહાય ચૂકવી દીધી : સરકારી રેકર્ડ પર કામ પૂરું બતાવી લાભાર્થીઓ સાથે મળી નાણાં સેરવી લીધાનો આક્ષેપ
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આંત્રોલી, ભુંગળીયા અને બેટાવાડા ગામોના ૭ જુદા-જુદા લાભાર્થીઓના આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. તમામને મકાનના પ્લીન્થ લેવલ (પાયાથી ઉપરના સ્તર)નું કામ પૂર્ણ થયા બદલ ૮૦,૦૦૦ રૂપિયા કે ૩૦,૦૦૦ રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. સાત અલગ-અલગ કેસોમાં પ્લીન્થ લેવલનું કામ દર્શાવવા માટે એક જ યુવકનો, એક જ પોશાકમાં અને એક જ સ્થળ-દિવાલ પાસે ઊભેલો ફોટો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ, દરેક લાભાર્થીના મકાનના સ્થળ પર જઈને ભૌગોલિક સ્થાન જિયોટેગ સાથેનો ફોટો અપલોડ કરવાનો હોય છે. જેમાં લાભાર્થી અને નિર્માણાધીન મકાન સ્પષ્ટ દેખાવું જોઈએ. જોકે, અહીં આ નિયમોને નેવે મૂકીને એક જ બોગસ ફોટાનો ૭ વખત ઉપયોગ કરાયો અને તેના આધારે અલગ-અલગ તારીખોએ અંદાજીત ૫.૧૦ લાખની સહાય ગેરકાયદે ચૂકવી દેવાઈ હતી. ત્યારે લાભાર્થીઓના મકાન સ્થળ પર બન્યા જ નથી અથવા તો જેમની પાસે મકાન હતા તેમને પણ લાભ આપીને તેમની સાથે સાંઠગાંઠ કરીને સહાયના નાણાંમાં ભાગ-બટાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. કપડવંજ તાલુકા પંચાયતના આવાસ વિભાગે આ રીતે મોટું ભોપાળું કર્યું હોવાના આક્ષેપો છે.
જિલ્લાભરમાં લાભાર્થીઓની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના
ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં સૌથી વધુ ગામડાં હોવાથી, સરકારી રેકર્ડ પર અહીં આ યોજનાના સૌથી વધુ લાભાર્થીઓ છે. જોકે, આ યોજનામાં લાભાર્થીઓ સાથે મિલિભગત કરીને મોટા પાયે આથક હિત સાધવામાં આવ્યું હોવાથી, એક અંદાજ મુજબ માત્ર કપડવંજમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડની શક્યતા છે. આ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ત્યાં પણ આવા કૌભાંડો સામે આવે તેવી સંભાવના છે.
કયા કર્મચારીના આઈડી- પાસવર્ડથી ફોટો અપલોડ થયા તેની તપાસ જરૂરી
આ કૌભાંડમાં નિયમોનું ઉલ્લંઘન કરી જિયોટેગિંગ પ્રક્રિયાને ઇરાદાપૂર્વક બાયપાસ કરવામાં આવી છે. કર્મચારીઓના યુઝર આઈડી- પાસવર્ડનો દુરુપયોગ થયો છે. કયા કર્મચારીના આઈડીથી આ ફોટો અપલોડ થયો અને કયા તાલુકા કક્ષાના અધિકારીએ તેને મંજૂરી આપી, તેની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થવી અનિવાર્ય છે.
સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના
આવા ભ્રષ્ટાચારના કેસોમાં ઘણીવાર તે જ વિભાગના અધિકારીઓને તપાસ સોંપવામાં આવે છે. જેના કારણે સત્ય દબાઈ જાય છે. આ કૌભાંડને ઊંડાઈથી બહાર લાવવા માટે અન્ય તાલુકાના અધિકારીઓ અથવા સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.
આ લાભાર્થીઓમાં એક જ ફોટો અપલોડ કરાયો
|
લાભાર્થીનું
નામ |
ગામ |
આવાસ
મંજૂરી નંબર |
સહાય
ચૂકવ્યા તારીખ |
રકમ |
|
અરવિંદભાઈ
કોદારભાઈ રાઠોડ |
આંત્રોલી |
જીજે૧૪૧૭૨૩૩૫૨ |
૦૬/૦૨/૨૦૨૫ |
૮૦,૦૦૦ |
|
ભરતભાઈ
ભુરાભાઈ પરમાર |
ભુંગળીયા |
જીજે૧૪૧૭૫૩૩૨૦ |
૧૮/૦૩/૨૦૨૫ |
૮૦,૦૦૦ |
|
રાઠોડ
લાલાભાઈ કોદરભાઈ |
આંત્રોલી |
જીજે૧૪૧૭૨૨૯૯૯ |
૦૬/૦૨/૨૦૨૫ |
૮૦,૦૦૦ |
|
લક્ષ્મીબેન
અશોકભાઈ રાઠોડ |
આંત્રોલી |
જીજે૧૪૨૬૧૮૪૯૯ |
૨૮/૦૧/૨૦૨૫ |
૮૦,૦૦૦ |
|
અશોકભાઈ
નાથાભાઈ સોલંકી |
આંત્રોલી |
જીજે૧૪૨૪૭૩૭૪૧ |
૩૧/૦૧/૨૦૨૫ |
૮૦,૦૦૦ |
|
કમરાબેન
પી. સોલંકી |
બેટાવાડા |
જીજે૧૪૨૧૪૬૩૨૩ |
૨૮/૦૧/૨૦૨૫ |
૮૦,૦૦૦ |
|
સિતાબેન
કોદારભાઈ |
ભુંગળીયા |
જીજે૧૪૧૭૫૩૫૧૦ |
૧૪/૧૦/૨૦૨૫ |
૩૦,૦૦૦ |









