કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને રાહત
૨૭,૫૩૫ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ૧,૩૭૨ ખેડૂતોને ૧,૫૬૧ લાખથી વધુનું ચૂકવણું
રાજ્યમાં કૃષિ રાહત પેકેજની અમલવારી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ ખેડૂતોના કુલ ૮,૭૧૦ કરોડના ઓનલાઇન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૯.૩૦ લાખ ખેડૂતોને ૮,૫૧૬ કરોડથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે. ખેડા જિલ્લામાં આ કામગીરી વેગવાન બનાવીને મહત્તમ અસરગ્રસ્તોને આવરી લેવામાં આવ્યા છે. કૃષિ સહાય ઉપરાંત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પણ સમાંતર રીતે ચાલી રહી છે. ખેડા જિલ્લામાં આ પ્રક્રિયા હેઠળ ૨૭,૫૩૫ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ખરીદીના બદલામાં જિલ્લાના ૧,૩૭૨ ખેડૂતોને કુલ ૧,૫૬૧ લાખથી વધુની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૬.૭૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦,૬૯૮ કરોડથી વધુની કિંમતના કુલ ૧૪.૯૧ લાખ મેટ્રિક ટન જથ્થાની ખરીદી થઈ છે, જેની સામે ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને ૬,૫૭૩ કરોડની ચુકવણી કરવામાં આવી છે.


