ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી
- 5 માસ પૂર્વે સહાય માટે પસંદ થયેલી 1948 અરજીનો હજુ સર્વે પણ બાકી
- ચોમાસાના પ્રારંભે સમયસર સહાયથી ફેન્સિંગ થઈ હોત તો ખેડૂતોને પોતાના ખેતરમાં માલઢોર-રાનીપશુઓથી મુક્તિ મળી શકે તેમ હતું
ખેડૂતોના પાકનું રક્ષણ થઈ શકે અને માલઢોર તથા જંગલી-રાનીપશુઓથી પાકને બચાવી શકાય તે માટે તાર ફેન્સિંગ યોજના અમલી છે.ગત ફેબૂ્રઆરી માસમાં આ યોજનાના લાભ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાંથી ૩૯૨૦ અરજી થઈ હતી. જિલ્લા પંચાયતની ખેતીવાડી કચેરીએ વિવિધ માપદંડના આધારે છટણી કરી ૧૯૪૮ અરજીને માન્ય રાખી હતી. ફ્રૂબૂ્ર.માસમાં પૂર્ણ થયેલી આ પ્રક્રિયા બાદ અંદાજે પાંચ માસ વિતવા છતાં હજુ સુધી અરજદારોને સહાય આપવાની વાત તો દૂર સ્થળ પર સર્વે પણ થયો નથી.ખેડૂતોનું કહેવું છે કે હવે ચોમાસાની સિઝન છે.ફેન્સિંગ ખેતરમાં લાગી ચૂકી હોત તો નીલગાય અને જંગલી ભૂંડના ત્રાસથી છુટકારો મળી શકે તેમ હતો.જો કે, જિલ્લો બૃહદ ગીર વિસ્તાર હોવાથી દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં માલઢોર ઉપરાંત રાની પશુઓનો ખતરો વધ્યો છે ત્યારે સમયસર સહાયના અભાવે ખેડૂતોને વાવતેરમાં ફેરફાર કર્યો છે.
ગ્રામ સેવકો અન્ય સર્વેમાં રોકાતાં સહાય સર્વેમાં વલિંબ : ખેતીવાડી અધિકારી
ભાવનગર જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાં ફેન્સિંગ સહાય માટે પસંદ થયેલાં ખેતરોની સ્થળ તપાસ સહિતના સર્વેની કામગીરી માં વિલંબ પાછળ ગ્રામ સેવકો સહિતના ફિલ્ડ કર્મચારીઓને પાક નુકસાની સર્વેથી લઈ સરકાર દ્વારા અપાયેલી સર્વે કામગીરી જવાબદાર છે. હાલ આ સહાય માટે કામગીરી શરૂ કરાઈ છે. ટૂંકા સમયમાં કામગીરી અહેવાલના આધારે ખુટતી પ્રક્રિયા પૂર્ણ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ખેડૂતોએ મગફળીના બદલે કપાસનો પાક લીધો
ખેતરો ફરતે સમયસર તાર ફેન્સિંગ ન થતાં અરજી કરનાર પૈકીના મોટાભાગના અરજદાર ખેડૂતોને મગફળીના બદલે કપાસનું વાવતેર કરવાની ફરજ પડી છે. એ જ રીતે દ્યાન પાકોનું વાવેતર કરનાર ખેડૂતોને પણ અન્ય પાકો તરફ વળવાની ફરજ પડી હોવાનું ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું.
પ્રતિ રનિંગ મીટર રૂા.450 થી 600 નો ખર્ચ, રૂા.200 ની સહાય
તાર ફેન્સિંગ સહાય અંતર્ગત સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર માત્ર રૂા.૨૦૦ની સહાય આપવામાં આવે છે જેમાં ખેડૂતે માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબની વસ્તુઓનો ઉપયોગ કર્યો હોવો જરૂરી છે.સામાપક્ષે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા જાય તો ખેડૂતને પ્રતિ રનિંગ મીટર રૂા.૪૫૦થી રૂા.૬૦૦ સુધીનો ખર્ચ થાય છે. નાના ખાતેદારને બાદ કરતાં મોટા ખાતેદાર અને સયુંક્ત જમીનના હકક્દારોની કિસ્સામાં આ રકમનો આંક વધુ થતાં ખેડૂતોને સહાય ઉપરાંન્લોન લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.