Gujarat

લાંચ કેસમાં ફરાર મહિલા ઓડિટરના ઘરે સર્ચમાં ૧૩ લાખની અસ્કયામત મળી

By GS Team
8 Aug 20252 mins read
This article was originally published on 8 Aug 2025
લાંચ કેસમાં ફરાર મહિલા ઓડિટરના ઘરે સર્ચમાં ૧૩ લાખની અસ્કયામત મળી

વડોદરા : ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા લાંચની માંગણી કરવાના બનાવમાં સવા મહિનાથી ફરાર મહિલા ઓડિટરના ઘરે એસીબીએ સર્ચ કરતા તેના ગરે રૃા.૧૩ લાખની અસ્કયામત મળી આવી હતી. જ્યારે આ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કર્યા બાદ તેણે હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે પણ નિવૃત્ત શિક્ષકની જામીન અરજી રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, ડભોઇ તાલુકામાં કુલ ૨૦ ગૃપ પ્રાથમિક શાળાઓ આવેલી  છે. આ શાળાઓનું વર્ષ ૨૦૨૧-૨૨નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઇ સોલંકી (રહે.ગોત્રી)એ કર્યું હતું અને ઓડિટમાં કોઇ ક્વેરી નહી કાઢવા માટે વસઇ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ પટેલે એક ગૃપ શાળાના રૃા.૨ હજાર પ્રમાણે ૨૦ ગૃપ શાળાઓ માટે ઓડિટરને રૃા.૪૦ હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગૃપ આચાર્યો પાસે રૃા.૨ હજારની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેણે એસીબીમાં ફરિયાદ નોંધવતા લાંચના છટકામાં ઘનશ્યામભાઇ પટેલ (વસઇ પ્રાથમિક શાળા, આચાર્ય), બુધ્ધિસાગર સોમાભાઇ પટેલ (નિવૃત્ત શિક્ષક), મહેન્દ્રસિંહ સોલંકી (ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, આચાર્ય) અને મુકુંદભાઇ ચૌહાણ (નિવૃત્ત શિક્ષક) ઝડપાઇ ગયા હતા. જે તમામ આરોપી હાલ જેલમાં છે.

હાલ આ કેસમાં ફરાર મહિલા ઓડિટર જયશ્રીબહેને આગોતરા જામીન અરજી મુકતા ગઇકાલે અદાલતે તેની જામીન અરજી રદ કરી હતી. દરમિયાનમાં બે દિવસ પહેલા એસીબીએ મહિલા ઓડિટરના ઘરે તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા. એસીબીએ તેમના ઘરે સર્ચ કરતા રૃા.૧૩ લાખની અસ્કયામતો મળી આવી હતી. જ્યારે આ કેસમાં બુદ્ધિસાગર પટેલની સેશન્સ કોર્ટે જામીન અરજી રદ કરતા તેણે હાઇકોર્ટમાં જામીન અરજી મુકી હતી જે જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી હોવાનું એસીબીના સુત્રોએ જણાવ્યું હતું.