ઈકો ઝોન આસામ સરકારે જનહિતમાં રદ કર્યો : તો ગીરમાંથી રદ કેમ નહીં

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તથા સાત સંરક્ષિત વિસ્તારોમાં જાહેર કરેલો : અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના 180 ગામોની પ્રજાને રોજીંદી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરતો ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો પાછો ખેંચવા ફરી રજૂઆત
તાલાલા ગીર, : આસામ સરકાર દ્વારા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અન્ય 7-સંરક્ષિત વિસ્તારો માં 3600 ચો.કિ.મી વિસ્તારમાં ઈકો ઝોન ઘોષિત કરાયો હતો, પણ આ કાયદાથી સ્થાનિક 5 લાખ લોકો પ્રભાવિત થવાનો ભય ઉભો થતાં ઈકો ઝોનનો પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આસામ સરકારે લોક હિત કેન્દ્રમાં રાખી કરેલા નિર્ણય જેવો ગુજરાત સરકારે પણ નિર્ણય લઈ ઈકો ઝોનનાં કાયદાથી પ્રભાવિત ત્રણ જિલ્લાના તમામ વિસ્તારોને ઈકો સેન્સિટીવ ઝોનના કાયદાથી મુક્ત કરી પ્રજાને ન્યાય આપવો જોઈએ એવી માંગ ઉઠાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલયના સચિવને તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 180 ગામોને ઈકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરવા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં તાલાલા વિસ્તારના 30 જેટલા ગામોનો વિસ્તાર આવરી લેવામાં આવેલ છે. ઈકો સેન્સિટીવ ઝોન લાગવાથી પ્રજા તથા ખેડૂતોને રોજીંદી પ્રક્રિયામાં અવરોધ ઉભા થશે. વિવિધ કામગીરી માટે જંગલખાતાની મંજૂરી લેવી પડશે. પરિણામે પ્રજા તથાખેડૂતોને કાયમી જંગલખાતાનું મહોતાજ બનવું પડશે. પ્રજા અને ખેડૂતોની હાલાકી વધશે તેમજ ખેતી, ખેડૂતો અને ગામડાંનો સર્વાંગી વિકાસ રૂંધાશે. પરિણામે ઈકો ઝોનનો કાળો પ્રજા હિત માટે પાછો ખેંચવો ખૂબ જ જરૂરી છે.








