Gujarat

ધોળકામાં સપ્તાહ પહેલા બનાવેલો ડામર રોડ સામાન્ય વરસાદમાં ધોવાયો

By GS TEAM
19 Jun 20252 mins read
ધોળકામાં સપ્તાહ પહેલા બનાવેલો ડામર રોડ સામાન્ય વરસાદમાં ધોવાયો

મેનાબેન ટાવરથી ગધેમાર સુધીના રોડના કામમાં ગેરરીતિની રાવ

ભક્તિ કોર્પોેરેશન એજન્સીએ ૩૫ લાખમાં રોડ બનાવ્યો હતો ઃ નવા બનાવેલા રોડમાં થીગડા મારવાની નોબત આવી

બગોદરા -  ધોળકામાં સપ્તાહ પહેલા બનાવેલો મેનાબેન ટાવરથી ગધેમાર સુધીનો ડામર રોડ સામાન્ય વરસાદમાં ધોવાતા કામગીરીમાં ગેરરીતિની રાવ ઉઠી છે. ભક્તિ કોર્પોેરેશન એજન્સીએ ૩૫ લાખમાં બનાવેલો ડામર રોડમાં ખાડા પડતા થીગડા મારવાની નોબત આવી છે.

ધોળકા શહેરમાં મેનાબેન ટાવર થઈ ગધેમાર થઈ પાશ્વનાથ નીકળતા રોડ પર મસ મોટા ખાડા પડી ગયા હતા અને ગટરના પાણી પણ અહીંયા ઢીંચણ સમા ભરાઈ જતા હતા અને હવે ચોમાસુ શરૃ થઈ જતાં વરસાદી પાણી ભરાય છે લોકોને હાલાકી ભોગવી પડે છે. ધોળકા નગરપાલિકાએ ભક્તિ કોર્પોેરેશન નામની એજન્સીને મેનાબેન ટાવરથી ગધેમાર થઈ પાશ્વનાથ જતા રોડ ઉપર ડામરોડ બનાવવા માટે ૩૫ લાખના ખર્ચે કામ આપ્યું હતું. પરંતુ આ એજન્સીએ આ વિસ્તારમાં ડામર રોડ બનાવ્યાના હજુ એક સપ્તાહ પણ થયો નથી ત્યાં ડામર રોડ પહેલા જ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો છે. 

ડામરની જગ્યાએ રોડમાં ખાલી કપચી જ દેખાઈ રહી છે. રસ્તા પરથી વાહન પસાર થાય ત્યારે કપચીઓ હવામાં ઉડે છે અને લોકોને વાગે છે. ત્યારે ચોમાસુ શરૃ થતા જ ડામરોડની કામગીરી કરવી કેટલી યોગ્ય એક બાજુ ડામર અને પાણીને આડવેર હોય છે પાણી ભરાય ત્યાં ડામર ટકતો નથી છતાં પણ તંત્રએ અહીં ડામર રોડ શા માટે ચોમાસુ શરૃ થતા જ બનાવ્યો એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. 

ધોવાઇ ગયેલો રોડ એજન્સી ફરી બનાવશેઃ નગરપાલિકા પ્રમુખ (બોક્સ)

આ બાબતે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ડામર રોડ જેટલો ધોવાઈ ગયો છે અને તૂટી ગયો છે તેનું કામ જે એજન્સીને કામ સોંપ્યું છે તે ફરી કરશે. ત્યારે આમ ધોળકા નગરના લોકોના ટેક્સના પૈસા યોગ્ય સમયે અને સારી કામગીરીમાં વપરાતા ના હોવાનું પણ નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે.