અમદાવાદ, રવિવાર
વૈજ્ઞાાનિક યુગમાં આજે પણ ધાર્મિક વિધીના નામે અંધશ્રધ્ધા વ્યાપી રહી છે, બાપુનગરમાં માનતા પુરી કરવા માટે મકાનમાં પશુની બલી ચઢાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે પોલીસ પહોંચે તે પહેલા બકરાની બલિ ચઢાવી દેવામાં આવી હતી.
પોલીસ પહોંચતા પહેલા મકાનમાં માતાજી મંદિર નીચે બકરાની બલી ચઢાવી, આરોપીની ધરપકડ
બાપુનગરમાં અંબર સિનેમા આવેલી ગવર્મેન્ટ ઇ કોલોની ખાતે પશુની બલિ ચઢાવાની છે તેવી જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસ ગઇકાલે સાંજે સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ અંધશ્રધ્ધાના નામે માનતા પુરી કરવા મકાનમાં માતાજીના મંદિર નીચે બકરાની બલિ ચઢાવવામાં આવી ચૂકી હતી.
બાપુનગર પોલીસે તિક્ષ્ણ હથિયાર સાથે મકાન માલિક નરેશભાઇની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી પશુ ક્યાંથી લાવ્યો હતો અને કયા કારણોસર પશુની હત્યા કરી તે સહીતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


