બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો
રાજકોટ અને બારેજાના વ્યક્તિએ ગાંજો મંગાવ્યો હતો
ગાંજાની જથ્થાની હેરફેર થાય તે પહેલા પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરીઃ સૌરાષ્ટ્રમાં ગાંજાનું નેટવર્ક સક્રિય કરાયુ હતું
અમદાવાદ,રવિવાર
અસલાલી પોલીસે બારેજાની સ્થાનિક સોસાયટીમાં દરોડો પાડીને પાર્કિગમાંથી એક ટ્રકમાંથી રૂપિયા ૧૨.૫૦ લાખની કિંમતનો ૧૨૬ કિલો જેટલો ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજાનો જથ્થો બારેજા અને રાજકોટમાં રહેતા વ્યક્તિઓએ ઓરિસ્સાથી મંગાવ્યો હતો. જેને લાવવાના બદલામાં ટ્રક ડ્રાઇવરને ચાર ગણુ ભાડુ આપવામાં આવ્યું હતું. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અસલાલી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બારેજામાં આવેલી હરીકૃપા સોસાયટીમાં રહેતા પ્રતાપ બગોરા તેની આઇશર ટ્રકમાં ગાંજાનો મોટા જથ્થો લાવ્યો છે અને તેને લેવા માટે કેટલાંક લોકો આવવાના છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન એચ સવસેટાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં ટ્રકમાં તપાસ કરતા ૧૨૬ કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિમંત આશરે ૧૨.૫૦ લાખ હતી. આ અંગે પ્રતાપ બગોરાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બારેજામાં રહેતા મહેશ રાવળ અને રાજકોટમાં રહેતા જતીન દેવમુરારી નામના ડ્રગ્સ ડીલરોએ ગાંજાનો જથ્થો ઓરિસ્સા સંબલપુરથી એક વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેના બદલામાં ચાર ગણુ ભાડુ આપવામાં આવ્યું હતું. બારેજામાંથી નાના વાહનોમાં ગાંજાનો જથ્થો બારોબાર સગેવગે કરવાનો હતો. પરંતુ, તે પહેલા પોલીસે દરોડો પાડતા ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.