પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી
હત્યા કરીને બનાવને આત્મહત્યામાં ખપાવ્યો
અસલાલી પોલીસે આરોપીની શંકાને આધારે પુછપરછ ભાંડો ફુટયોઃ અગાઉ પણ મૃતકને અવારનવાર માર્યો હતો
અમદાવાદ, શનિવાર
અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાતગામમાં રહેતી એક મહિલાને તેના પતિએ ચારિત્ર્યની શંકા રાખીને તેને ગળાટુંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
ઓઢવ સદગુરૂકૃપાનગરમાં રહેતા મનુભાઇ રાવળની ભત્રીજી પારૂલે દસ્ક્રોઇના ભાતગામમાં રહેતા વિક્રમ રાવળ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ, વિક્રમ તેના પર ચારિત્ર્યની શંકા રાખતો હતો. લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્રી અને એક પુત્ર હતા. બે દિવસ પહેલા વિક્રમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે તેની પત્ની પારૂલે ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જેથી પોલીસે સ્થળ પર જઇને તપાસ શરૂ કરી હતી. જેમાં તેના શરીર પર ઇજાના નિશાન હતા. જેથી વિક્રમની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ સવસેટાએ તેની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
મૃતક પારૂલ તેના પતિના ત્રાસથી કંટાળીને તેના ભાઇને ત્યાં રહેવા ગઇ હતી. ત્યાંથી ગત સપ્તાહે જ પરત આવી હતી. ત્યારબાદ વિક્રમ તેના પર શંકા રાખીને માર મારતો હતો. ગુરૂવારે બંને વચ્ચે ફરીથી તકરારા થતા વિક્રમે તેને સંતાનોની હાજરીમાં મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે પોલીસને તેની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.