જામનગર મહાનગરપાલિકાની કચેરીના પટાંગણમાં આશા વર્કર બહેનોના સુત્રોચ્ચાર : આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું
Jamnagar : જામનગર મ્યુ. કોર્પો.ની આરોગ્ય શાખાના આશાવર્કર બહેનોને ફરજીયાત ઓનલાઈન કામગીરી કરવાના આદેશમાં તેમજ તમામ બહેનોને સ્લમ શાખાની કામગીરીનું વધારાનું ભથ્થું જુનાગઢ મ્યુ. કોર્પોરેશનની જેમ આપવાની માંગણી સાથે આશા બહેનોએ કોર્પોરેશનના પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યા બાદ આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં કામ કરતા 150થી વધુ આશા બહેનોએ ગઈકાલે કોર્પોરેશન ખાતે પહોંચીને શોષણ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં આરોગ્ય અધિકારી ડો.હરેશ ગોરીને મળીને આવેદન આપ્યું હતું. જેમાં આશા વર્કર બહેનોને વેતન વધારા વગર અને સરકારી મોબાઈલ આપ્યા વગર તા.1થી ફરજીયાત મોબાઈલ લોકેશન સાથે સ્વખર્ચે ખરીદેલા મોબાઈલ મારફત ઓનલાઈન કામગીરી કરવાના આદેશને કારણે બહેનોને વર્કલોડ વધવા સાથે અમુક જુના બહેનો આવી કામગીરી કરી જ શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત જુનાગઢ મ્યુ. કોર્પો. દ્વારા સ્લમ શાખાનું વધારાનું કામ કરતા બહેનોની માફક નોન-સ્લમ બહેનોને પણ 50 ટકા ભથ્થું આપવાની સિસ્ટમ ચાલુ કરવા બહેનોએ માંગણી કરી હતી. આશા વર્કર બહેનોને આરોગ્ય અધિકારીએ થોડા દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.