Gujarat

પડતર પ્રશ્નો ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશાવર્કરોનું હલ્લાબોલ

By GS TEAM
13 Oct 20252 mins read
પડતર પ્રશ્નો ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશાવર્કરોનું હલ્લાબોલ

ગાંધીનગર જિલ્લામાં ૧૨૦૦થી વધુ આશા બહેનોમાં રોષ

લધુતમ વેતનવર્ગ-૪માં સમાવવા,બોનસયુનિફોર્મરજા અને ભથ્થા સહિતના આશાવર્કર બહેનોના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર માંગ

ગાંધીનગર :  ગાંધીનગર સહિત ગુજરાતભરની આશાવર્કર બહેનોમાં રાજ્ય સરકારના ટેકો એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાના આદેશ સામે તીવ્ર રોષ ફેલાયો છે. આદેશના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની ઘણી આશાવર્કર બહેનોએ કામગીરી બંધ કરી દીધી છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. બહેનોએ જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી છે.

તેમનો આક્ષેપ છે કે,ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવે છે અને નિયમોનું પાલન ન કરવા પર પગાર અટકાવવાની ધમકીઓ આપવામાં આવે છે.આશાવર્કર બહેનોનું કહેવું છે કે ઓનલાઈન કામગીરી તાત્કાલિક શરૃ કરવી શક્ય નથી, કારણ કે તેમની પાસે સારા સ્માર્ટફોન નથી, અને અધિકારીઓ દ્વારા મોંઘા ફોન ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. માત્ર બે હજાર રૃપિયાનું ઈન્સેન્ટિવ મેળવતી આ બહેનો મોંઘા ફોન અને રિચાર્જનો ખર્ચ કેવી રીતે ઉપાડે તે પ્રશ્ન પણ અહીં ઉભો થઇ રહ્યો છે.તેમની માંગ છે કે સરકારે ઓનલાઈન કામગીરી માટે પહેલાં સારા ફોન અને રિચાર્જની સુવિધા પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, નેટવર્કની સમસ્યા અને લાભાર્થીની ગેરહાજરીમાં ફોટો અપલોડ કરવાની ફરજિયાત શરતને કારણે ઈન્સેન્ટિવ ગુમાવવાનો ભય રહે છે.

તહેવારોના દિવસોમાં પણ ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાથી બહેનો તહેવારો ઉજવી શકતી નથી.બહેનોએ માંગ કરી છે કે તેમને વર્ગ-૪માં સમાવેશ કરીને કાયમી કર્મચારી બનાવવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે, ૧૮૦ દિવસની મેટરનિટી લીવ, ડિલિવરી સમયે દર્દી સાથે રહેવા માટે વધારાનું ભથ્થું, ૧૦ લાખનો જીવન સુરક્ષા વીમો, દિવાળી બોનસ અને દર વર્ષે યુનિફોર્મ તરીકે સાડી આપવામાં આવે. વધુમાં, આંખોની સ્ક્રીનિંગ જેવી નવી જવાબદારીઓનો પણ વિરોધ થઈ રહ્યો છે, કારણ કે માતા-બાળ મૃત્યુ ઘટાડવા ઉપરાંત અન્ય ઘણી કામગીરીઓથી બહેનો પર ભારણ વધી રહ્યું છે. જ્યાં સુધી ઓનલાઈન કામગીરીની સમસ્યાઓનું નિવારણ ન થાય, ત્યાં સુધી મેન્યુઅલ કામગીરીનું ઈન્સેન્ટિવ આપવાની માંગ ઉઠી છે.

આશા બહેનોને છ મહિનાથી પગાર વધારો અને ઇન્સેન્ટીવ ચૂકવાયુ નથી

આરોગ્ય વભાગમાં પાયાનું કામ કરતી આશા વર્કર બહેનોને મળવાપાત્ર પગાર વધારો અને ઇન્સેન્ટીવ છેલ્લા છ મહિનાછી ચૂકવવામાં આવ્યું નથી જેના કારણે આ આશા બહેનોમાં રોષની લાગણી ફેલાઇ છે. જુના પડતર પ્રશ્નો ઉપરાંત આ ઇન્સેન્ટીવ નહીં આપવાની સરકારની નીતિ સામે આશાબહેનોએ વિરોધ કર્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે હલ્લાબોલ કરીને આ બહેનોએ વિરોધ કરવાની સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને સત્વરે આ અંગે હકારાત્મક નિર્ણય લેવાય તે માટે માંગણી કરી છે. આ અંગે મહિલા શક્તિ સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે, ઓનલાઇન કામગીરી અને ઇન્સેન્ટીવ નહીં ચુકવવાને કારણે હાલ આ આશાબહેનો હડતાલના માર્ગે છે.દિવાળીના તહેવારો હવે નજીકમાં છે ત્યારે આ ઇન્સેન્ટીવ ચૂકવવા રજુઆત પણ કરવામાં આવી હતી.