શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલતદારને આવેદનપત્ર
Panchmahal News : પંચમહાલના શહેરા તાલુકાની આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ ‘ટેકો’ એપ અને આંખોની સ્ક્રિનિંગની કામગીરી મામલે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી રહેલા બહેનોનું કહેવુ છે કે, જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી કામગીરીથી અળગા રહીશું. આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ વિરોધ નોંધાવીને ફિક્સ પગારની માગ સાથે તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
‘ટેકો’ની અને આંખોની સ્ક્રિનિંગની કામગીરીનો વિરોધ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સેવા સદન ખાતે આશાવર્કર અને ફેસીલેટર બહેનો એકઠા થઈને ‘ટેકો’ની અને આંખોની સ્ક્રિનિંગની કામગીરીનો વિરોધ કર્યો હતો. જ્યાં સુધી મહેનતાણું ન મળે અને નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેકો અને આંખોની સ્ક્રિનિંગની કામગીરીથી અળગા રહેવાનો બહેનોઓએ નિર્ણય લીધો છે.
મામલતદારને આવેદનપત્ર આપ્યું
આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેકો કામગીરી કરવાનો આદેશ અપાયો છે, પરંતુ આ કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાં જો લાભાર્થી ઘરે ના હોય એ બહાર ગામ હોય અને એ જ દિવસે એમનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ મળતું નથી. તો આવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે છે? સાથેસાથે તહેવારના દિવસોમાં પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે. તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનો શું તહેવાર પણ ના ઉજવે?
ઇન્સેન્ટિવ તો જાહેર કરાયું નથી
બહેનોની રજૂઆત છે કે, 'ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે, પરંતુ એનું ઇન્સેન્ટિવ તો જાહેર કરાયું નથી. 'ટેકો'માં મફત કામગીરી કરાવાશે એ આશા વર્કર બહેનોને મંજૂર નથી. ટેકોમાં કામ કરવા માટે સારા ક્વોલિટીના મોબાઈલ જોઈએ. જેથી ગુજરાત સરકાર પાસે મોબાઈલની માંગણી કરાઇ છે. તેમજ રિચાર્જ કોણ કરી આપશે એ પણ એક પ્રશ્ન છે. કવરેજ નેટવર્કના ઈસ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવનું કામ સોંપ્યું છે, પણ મહેંતાણું કેટલું આપવાનું છે એ પણ કહ્યું નથી. અમારી પાસે મફતમાં કામગીરી ખૂબ કરાવાઇ રહી છે.'
આશાવર્કર અને ફેસીલેટર બહેનોની ચીમકી
વિરોધ નોંધાવી રહેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, 'ટેકોની કામગીરીને લગતા HBNC, HBYC, PMJY, NCD, PMMVY જેવી કામગીરી તેમજ આખોનું સ્ક્રિનિંગ કરાવવા સહિત બીજા અન્ય મફતમાં કરાવાતા કામોનું મહેનતનું વળતર નહીં મળે અને અમારો ફિક્સ પગારમાં સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચોક્કસ મુદ્દત સુધી સામૂહિક કામગીરીથી અળગા રહીશું.'
આ પણ વાંચો: પોપટ સોરઠિયા હત્યા કેસ: અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ
એક આશા વર્કરે કહ્યું કે, 'અમને આંખોના ડૉક્ટર બનાવી દીધા, મોબાઈલમાં ડેટા એન્ટ્રીથી કામગીરી સોંપી દીધી જે અમને આવડતી નથી. અત્યારે રિચાર્જ પણ મોંઘુ થઈ ગયું છે. જોકે અમને 3 હજારથી વધુ પગાર મળતો ન હોય તો અમારે કેવી રીતે કામગીરી કરવી. સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે અડધી રાતે પણ અમારે ઘર પરિવાર છોડીને જવું પડે છે, તેમ છતાં અમને યોગ્ય મહેનતાણું મળતું નથી. જેથી અમને ફિક્સ પગાર કરવામાં આવે.'