વરાછા-એ ઝોનમાં સંક્રમણ ઘટતાં 2.17 લાખ લોકોને ક્લસ્ટરમુક્ત કરાયા
વાયરલ લોડને લીધે 1413 કેસ થતા 49877 ઘરો કલસ્ટર કરાયા હતાઃ અનેક દર્દીઓ ડિસ્ચાર્જ થતા નિયંત્રણો હળવા કરાયા
સુરત, 30 જુલાઈ, 2020. ગુરૃવાર
સુરત મ્યુનિ.ના લિંબાયત અને કતારગામ સાથે વરાછા એ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. ગીચ વિસ્તારમાં કોરોનાના કેસ વધતાં 49877 ઘરોમાં રહેતાં 2.17 લાખ લોકોને ક્લસ્ટર જાહેર કરીને ફરજ્યાત કોરોન્ટાઈન કરાયા હતા. હવે આ વિસ્તારમાં વાઈરલ લોડ ઘટી રહ્યો છે અને અનેક દર્દીઓને સારવાર પુરી કરી હોસ્પીટલમાંથી ડિસચાર્જ કરી દેવાતા મ્યુનિ. તંત્રએ 2.17 લાખ લોકોને ક્લસ્ટર મુક્ત કરવા સાથે નિયંત્રણ પણ હળવા કર્યા છે.
વરાછા-એ ઝોનમાં ગીચ વસ્તી ધરાવતા ચાલી અને સોસાયટી વિસ્તારમં કોરોના પોઝીટીવનું સંક્રમણ વધ્યું હતું. સુપર સ્પ્રેડર્સની સંખ્યા પણ વધવા સાથે કેસોની સંખ્યા ૧૪૩૧ થઈ ગઈ હતી. જેથી મોટા વરાછા ફાયર સ્ટેશનથી સુદામા ચોક, આનંદ વાટીક વિસ્તાર કલસ્ટર જાહેર કરીને ૧૯ હજાર લોકોને ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરાયા હતા. તેમજ સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારમાં લોકોને ફરજિયાત હોમ કોરેન્ટાઇન કરાયા હતા. તેથી ઝોનના 49877ઘરમાં રહેતાં 2.17 લાખ લોકો હોમ કોરેન્ટાઇન હતા.
હાલમાં મોટા ક્લસ્ટર દુર કરી નાના ક્લસ્ટર કરીને નિયંત્રણની નીતિ અપનાવાઇ છે. તેમા હાલમાં વરાછા-એ ઝોનમાં રહેતાં 2.17 લાખ લોકોને ક્લસ્ટર મુક્ત કરાયા છે. જ્યારે જે સોસાયટીમાંથી કેસ આવી રહ્યાં છે તે સોસાયટીમાં કલસ્ટર જાહેર કરીને એન્ટ્રી એક્ઝીટ નિયંત્રીત કરાઇ છે. માઈક્રો ક્લસ્ટરમાં લોકો બિનજરુરી બહાર ન નીકળે માટે લોકોને ઘર બેઠા અનાજની કીટ આપવા આયોજન કરાયું છે. આ ઉપરાંત માઈક્રો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક અને આર્યુવેદિક દવાનું વિતરણ પણ કરવામા ંઆવી રહ્યું છે.