Gujarat

હાઈકોર્ટના ઓર્ડર છતાં જમાલપુરના ગેરકાયદે બાંધકામ સામે ચાર વર્ષથી ટલ્લે ચઢાવાતી કામગીરી

By GS TEAM
2 Jul 20251 min read
હાઈકોર્ટના ઓર્ડર છતાં જમાલપુરના ગેરકાયદે બાંધકામ સામે ચાર વર્ષથી ટલ્લે ચઢાવાતી કામગીરી

  અમદાવાદ,બુધવાર,2 જુલાઈ,2025

અમદાવાદના જમાલપુર ચકલાના ગેરકાયદેસર બાંધકામને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરાઈ હતી. વર્ષ-૨૦૨૦માં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આ પ્રકારના બાંધકામ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.  હાઈકોર્ટ સમક્ષ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એસ્ટેટ વિભાગની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા જાય એ સમયે ટીમને ધમકાવાતી હોવાની રજુઆત કરી હતી.ચાર વર્ષથી ગેરકાયદેસર બાંધકામની કામગીરી ટલ્લે ચઢાવાતા લીગલ કમિટીએ જમાલપુર ચકલામાં  ગેરકાયદેસર બિલ્ડિંગ કેટલા છે એની યાદી રજુ કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને સુચના આપી છે.

વર્ષ-૨૦૨૦માં મહોંમદહુસેન શૌકતઅલી શેખે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ જમાલપુર ચકલાના ગેરકાયદેસર બાંધકામને લઈ દાવો દાખલ કર્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નિયમ મુજબ નોટિસ અપાઈ હોવાનો જવાબ કોર્ટમાં જવાબ રજુ કરાયો હતો.લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ, ૨૨ ડિસેમ્બર-૨૦૨૦ના રોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ દ્વારા આદેશ કરી જમાલપુર ચકલાના ગેરકાયદેસર બાંધકામને લઈ જવાબ રજુ કરવા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ કમિશનર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરને જવાબ રજુ કરવા માટે કહેવાયુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી પાસે જમાલપુર ચકલામાં કેટલી ગેરકાયદેસર બિલ્ડિંગ છે તેની યાદી મંગાવી છે જે પછી આગળની કાર્યવાહી કરાશે.