Gujarat

આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી

By GS TEAM
30 May 20262 mins read
આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી

માર્કેટીંગ યાર્ડમાં 23,000થી વધુ બોક્સની આવક : રીંગણા સિવાયના શાકભાજીના કિલોના 80 રૂપિયા જ્યારે કેરીના 35થી 75 રૂપિયે કિલો

જૂનાગઢ, : કેસર કેરીની આવક વધતા શાકભાજી કરતા પણ ઓછા ભાવ થઈ ગયા છે. આજે જૂનાગઢ યાર્ડમાં 23,000થી વધુ કેરીના બોક્સ આવ્યા હતા જેનું 350થી 750ના ભાવે વેંચાણ થયું હતું. જે મુજબ કેરીનો ભાવ 35થી 75 રૂપિયા થાય છે. આવક વધતા કેરી શાકભાજીથી પણ ઓછા ભાવે વેંચાઈ રહી છે. હાલ લોકો મન ભરીને કેસર કેરી આરોગી રહ્યા છે.

કેસર કેરીની સિઝન શરૂ થઈ ત્યારે આ વખતે ઉત્પાદન ઓછું થશે તેમજ તેના કારણે ભાવ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. વચ્ચે વાદળછાયું વાતાવરણ છવાતા કેરીને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી પરંતુ આ વર્ષે માવઠા અને વાવાઝોડા ન આવતા કેરીના ઉત્પાદન પર કોઈ માઠી અસર થઈ ન હતી. સિઝનની શરૂઆતમાં 10 કિલોના 1000-1200 ભાવ રહ્યા હતા. જેમ જેમ આવક વધતી જાય છે તેમ કેરીના ભાવ ઘટી રહ્યા છે.

આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 23,950 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. જેની 350થી 750 રૂપીયા લેખે હરરાજી થઈ હતી. આ મુજબ કેરીનો 1 કિલોનો ભાવ 35 રૂપીયાથી લઈ 75 રૂપીયા થયો છે. હાલ ઉનાળાની સિઝનના કારણે રીંગણા 40 ટમેટા, ચોળી, ભીંડો, ગુવાર જેવા શાકભાજી છુટક બજારમાં 80 રૂપીયાના કિલો મળી રહ્યા છે ત્યારે આવક વધવાથી કેસર કેરી શાકભાજીથી પણ સસ્તા ભાવે મળી રહી છે. જૂનાગઢના મુખ્ય રસ્તાઓ પર કેરી વેંચતા ફેરીયાઓની કતાર લાગી રહી છે. આ ઉપરાંત ખેડૂતો અને ઈજારદારો પણ શહેરમાં કેરી વેંચવા માટે આવી રહ્યા છે. સસ્તી કેરી ખરીદી લોકો મન ભરી કેરીની મજા માણી રહ્યા છે.