દેણુ વધી જતાં પાડોશીના બંધ મકાનમાંથી ચાર લાખની મત્તા અને 200 ડોલર ચોર્યા

રાજકોટમાં પેડક રોડ પરની રણછોડવાડીની ઘટના
શરૂઆતમાં રૂા. સાત હજારની ચોરી કર્યાની કબૂલાત આપી રકમ પરત કરી દીધી, પાછળથી બીજી મત્તા પણ ચોરી કર્યાની જાણ થઇ
રાજકોટ: પેડક રોડ પર રણછોડવાડી ગેઇટ નં. ૨, શેરી નં. ૩માં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈ હરગણ (ઉ.વ.૩૩)ના બંધ મકાનમાંથી પાડોશમાં જ રહેતા જયેશ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈ ગામીએ સોના-ચાંદીના દાગીના, રોકડ ઉપરાંત ૨૦૦ ડોલરની ચોરી કરી હતી. બી ડીવીઝન પોલીસે આજે તેને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
ફરિયાદમાં ધવલભાઈએ જણાવ્યું હતું કે કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટ ધરાવે છે. જે તેના પિતા નરેશભાઈ સાથે ચલાવે છે. તેનો મોટો ભાઈ ગૌરાંગ અને ભાભી સોનલબેન આફ્રિકામાં રહે છે. સોનલબેન છેલ્લા દોઢેક મહિનાથી તેના ઘરે આવેલા છે.
ગઇ તા. ૯નાં રોજ તેના ભાભી અને દાદી સુરત લગ્નમાં ગયા હતા. જ્યારે તે અને તેના પિતા રેસ્ટોરન્ટમાં હતા. સાંજે તેના પત્ની માતા અને પાડોશીઓ સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા. તે વખતે તેની પત્નીના ફોનમાં પાડોશી જયેશે કોલ કરી ટિફિન બંધાવાની વાત કરી હતી. આ બાબતે શંકા જતાં તત્કાળ તેની પત્ની મીનાક્ષીબેનને ઘરે મોકલી હતી.
તે વખતે જયેશ તેના મકાનના ફળિયામાં જોવા મળ્યો હતો. ક્યા કારણથી આવ્યા છો તે બાબતે પૂછતા તેનો નંબર લેવા માટે આવ્યાનું કહ્યું હતું. આ વાત ગળે નહીં ઉતરતા તેની પત્નીએ અલમારીમાં રાખેલ પર્સ ચેક કરતાં તેમાંથી રૂા. સાત હજાર ગાયબ મળ્યા હતાં. જે રકમ જયેશે ચોરી કર્યાની શંકા જતાં પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
જો કે જયેશે પોતાની ભૂલ થઇ ગઇ છે અને હાલ લગ્નની વાત ચાલુ હોવાથી ફરિયાદ નહીં કરવાની વિનંતી કરી રૂા. સાત હજાર આપી દીધા હતા. ગઇ તા. ૧૩ના રોજ બપોરે તેના ભાભી સોનલબેનને ચોરી થયાની જાણ થતાં તેણે રૂમમાં માળિયામાં મૂકેલા થેલામાંનું પર્સ ચેક કરવા કહ્યું હતું. જેથી તે પર્સ ચેક કરતાં તેમાંથી સોનાના બે ચેન, ચાર વીંટી, ત્રણ જેન્ટસની વીટી, પાટલા, ચાંદીની વીંટી, ચાંદીનો સિક્કો, રૂા. ૮ હજાર, ૨૦૦ ડોલર અને તેના ભાભીનો પાસપોર્ટ ગાયબ મળ્યા હતાં.
પાડોશી જયેશે જ આ ચોરી કર્યાની શંકા જતા તેને બોલાવી પૂછપરછ કરતાં કબૂલી લીધું હતું. એટલું જ નહીં મત્તા બે-ત્રણ દિવસમાં આપી દેશે તેમ કહ્યું હતું પરંતુ કાંઇ પરત નહીં આપતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધી જયેશને પકડવા જતાં તે અંગ્રેજી દારૂની એક બોટલ સાથે મળી આવતા પ્રોહીબીશનનો અલગથી ગુનો નોંધી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે હાલમાં દેણુ વધી જતાં ચોરી કર્યાનું રટણ કરી રહ્યો છે.








