ભાજપ અને કોંગ્રેસ પ્રેમી-પ્રેમિકા, હવે અમારું કોઈ ગઠબંધન નહીં: ગુજરાતમાં કેજરીવાલની મોટી જાહેરાત
Arvind Kejriwal On BJP-Congress : અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આાગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કેજરીવાલે 'ગુજરાત જોડો સદસ્યતા અભિયાન'નો શુભારંભ કર્યો છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, 'ભાજપ અને કોંગ્રેસ પ્રેમી-પ્રેમિકા, હવે અમારું કોઈ ગઠબંધન નહીં.' જ્યારે યુવાનો પાર્ટીમાં જોડાવવા માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે.
કેજરીવાલે શું કહ્યું?
કેજરીવાલે કહ્યું કે, 'વિસાવદરનું પરિણામ દર્શાવે છે કે જનતાએ અમારા પર વિશ્વાસ કર્યો. હવે ભાજપની વિદાય નિશ્ચિત છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવવાની છે. હવે અમે 'ગુજરાત જોડો અભિયાન' શરૂ કર્યું છે. અમારા કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને AAP સાથે જોડશે.' કેજરીવાલે 9512040404 નંબર જાહેર કરીને આ નંબર પર મિસ્ડ કોલ કરીને ગુજરાતમાં AAPમાં સાથે જોડાવવા માટે લોકોને અપીલ કરી છે.
તેમણે કહ્યું કે, 'ગુજરાતનો વિકાસ કરવો હોય તો યુવાનો અમારી સાથે જોડાઓ. માત્ર બે વર્ષ આપો. આ એક હવન છે, એમાં આહુતિ આપો. આમ ગુજરાતના વિકાસ માટે આમ આદમી પાર્ટીમાં જોડાઓ. ગુજરાતમાં ભાજપે 30 વર્ષ શાસન કરીને બરબાદ કરી નાખ્યું. '
MLA ઉમેશ મકવાણાને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, 'અમને ફરિયાદ મળતા ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી સામાજિક કામ હોવાથી સુરત ગયા હતા. જોકે, તેઓ કેજરીવાલને મળ્યા હતા.'