વડોદરામાં સ્ક્રેપમાંથી બનાવેલી કલાકૃતિઓ અકોટા સ્ટેડિયમમાં ધૂળ ખાતી કટાયેલી હાલતમાં
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ સ્ક્રેપમાંથી કલાકારો પાસે કલાકૃતિઓ બનાવી હતી. જેમાંથી કેટલીક અકોટા સ્ટેડિયમ ખાતે ધૂળ ખાતી પડી રહી છે. કોર્પોરેશન દ્વારા હરણી ખાતે 2.35 કરોડના ખર્ચે 30 હજાર સ્ક્વેર મીટરમાં સ્કલ્પચરપાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. સ્કલ્પચરપાર્કમાં વિવિધ પ્રકારના 77 સ્કલ્પચરના પેડેસ્ટલ બનાવવામાં આવેલ છે. જેમાંથી હાલમાં 57 સ્કલ્પચર પેડેસ્ટલ પર મૂકવામાં આવેલ છે અને હજુ 20 પેડેસ્ટલ ખાલી રહ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2017 માં સ્ક્રેપમાંથી 25 કલાકૃતિઓ બનાવી હતી અને આ માટે 50000 કિલો સ્ક્રેપ વપરાયો હતો. 25 કલાકારોએ આ કૃતિઓ બનાવી તે પાછળ કોર્પોરેશનને 24 લાખનો ખર્ચ થયો હતો. આ કૃતિઓ બનાવ્યા બાદ કેટલીક ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવી હતી અને બાકીની અકોટા સ્ટેડિયમ ખાતે લાંબા સમય સુધી ધૂળ ખાતી પડી રહી હતી. જેનો વિવાદ થતાં ઘણી કલાકૃતિઓ ખસેડીને હરણી સ્કલ્પચર પાર્ક ખાતે લઈ જવામાં આવી હતી. હજુ પણ કેટલીક ત્યાં પડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે કે જે કલાકૃતિઓ ત્યાંથી ખસેડી શકાય તેવી હાલતમાં છે, તે બધી લઈ લેવામાં આવી છે. જે કૃતિઓ લઈ જવામાં મુશ્કેલી છે અથવા તો તેને કાપીને લઈ જવી પડે તેવી પડે તેવી સ્થિતિ છે તો આવી કલાકૃતિનો આકાર બગડી ન જાય તેને ધ્યાનમાં રાખીને ખસેડવામાં આવી નથી. આમ છતાં કલાકારોનું માર્ગદર્શન મેળવી તેને ખસેડી શકાય તેમ હશે તો હરણી પાર્કમાં મૂકવા પ્રયાસ કરવામાં આવશે.