આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમા બે દિવસ પહેલા વર્ગમાં બેઠેલી વિદ્યાર્થિનીને વિદ્યાર્થી કિસ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો અને આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આ ઘટના બાદ હવે ફેકલ્ટીના સત્તાધીશોએ આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગના તમામ વર્ગોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન સમગ્ર ઘટનાની તપાસ માટે એક ફેકટ ફાઈન્ડિંગ કમિટિ બનાવવામાં આવી છે.ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે આ વિડિયો કયા વર્ગમાં ઉતારવામાં આવ્યો હતો તેની તો જાણકારી મળી છે પરંતુ ક્લાસમાં કિસ કરનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની ઓળખ હજી થઈ શકી નથી.
જોકે તેમણે કહ્યું હતું કે, ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગમાં બિલ્ડિંગમાં કેમેરાની જરુર એટલા માટે છે કે, અહીંંયા હવે કોઈ ડિપાર્ટમેન્ટ કાર્યરત નહીં હોવાથી મોટાભાગે અધ્યાપકો અહીં હોતા નથી.અન્ય બિલ્ડિંગોમાં ડિપાર્ટમેન્ટોની ઓફિસ પણ આવેલી હોવાથી અધ્યાપકોની નોંધપાત્ર હાજરી હોય છે.કેટલા સીસીટીવી કેમેરા નાંખવાની જરુર પડશે તેનો સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે.