શહેર-જિલ્લામાં કલાત્મક તાજિયાના ઝુલુસ નીકળ્યા
- સુલેહ શાંતિ સાથે મહોરમ પર્વ સંપન્ન થયું
- ભાવનગરમાંથી 35 સહિત જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મળી 127 તાજીયા મોડી રાત્રે ટાઢા કરાયા
ભાવનગર શહેર અને જિલ્લામાં નિકળેલા આ ઝુલુસમાં હિન્દુ મુસ્લિમ જ્ઞાાતિના શ્રધ્ધાળુઓ આસ્થાભેર જોડાયા હતા અને તાજીયાના દિદાર કર્યા હતા અને માનતાઓ પણ ઉતારી દુવાઓ કરી હતી. આ વેળા કોમી એકતા અને ભાઈચારા તેમજ એખલાસનો માહોલ જોવા મળ્યો હતો. તાજીયાના રૂટ પર ઠેરઠેર શબીલ એ હુસૈન બનાવી લોકોેને ઠંડા પાણી, શરબત, દૂધ કોલ્ડ્રિંકસ અને ન્યાઝનું વિતરણ કરાયુ હતુ. ભાવનગર શહેરમાં ૩૫ ઉપરાંત, વરતેજમાં ૪, ઘોઘામાં ૧૨, વેળાવદરમાં ૧, મહુવામાં૩૧, તળાજામાં ૭, મહુવા ગ્રામ્યમાં ૪,ખુટવડા, બગદાણા, પાલિતાણા ટાઉન,રૂરલ, જેસર, ગારિયાધારમાં ૩, સિહોરમાં ૫, બુઢણામાં ૧,વલ્લભીપુરમાં ૩, ઉમરાળામાં ૪ સહિત સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ ૧૨૭ જેટલા મુખ્ય તાજીયાના ઝુલુસો નિકળ્યા હતા.આંબાચોકમાં શાનદાર શોકસભા તથા માતમી ઝુલુસ નિકળ્યુ હતુ. દરમિયાન ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પવિત્ર તાજીયાના દર્શન કરી કરબલાના શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.જયારે બોટાદ શહેરના લીમડા ચોક, દિનદયાળ ચોક, ટાવર રોડ,સ્ટેશન રોડ, જયોતિગ્રામ સર્કલ સહિતના સ્થળોએ ઝુલુસ નિકળ્યા હતા.